ભાજપ વિરુધ્ધ મત આપવા આજથી ગામડા ખુંદવાની જાહેરાત
ક્ષત્રિયોનું સામાજિક આંદોલન અંતે બની ગયુ રાજકીય આંદોલન
અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક બાદ કરાઈ જાહેરાત
શહેરો, ગામડાઓ અને શેરી-ગલીઓ ફરી વળી રૂપાલા વિરુધ્ધ મતદાન કરવાનું કહેવાશે : કાળા વાવટા ફરકાવાશે
પુરુષોત્તમ રૂપાલા સામેનું અમારું આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે તેવું અનેક વખત બોલ્યા પછી અંતે તો આ આંદોલન સામાજિક નહી પરંતુ રાજકીય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક બાદ પત્રકારોને એવી માહિતી આપવામાં આવી હતી કે રામનવમીથી નવેસરથી આંદોલન શરુ કરવામાં આવશે અને ગામડે ગામડે જઈને ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવશે. ભાજપના કાર્યક્રમોમાં કાળા વાવટા ફરકાવવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથેની મોડી રાતની બેઠક નિષ્ફળ ગયા પછી આજે બપોરે સંકલન સમિતિનાં કરણસિંહ ચાવડાની હાજરીમાં સુખદેવસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, યુધ્ધ શરુ થઇ ચુક્યુ છે અને નગારા વાગી રહ્યા છે. બુધવારે રામનવમી છે અને ક્ષત્રિયો રામ રાજ્ય લાવવા માટે આંદોલનની શરૂઆત કરશે. તેમણે દરેક સમાજને રામનવમીના દિવસે રામલલ્લાની પૂજા કરવા અને શોભાયાત્રામાં જોડાવા અનુરોધ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ગામે ગામ સભા યોજવામાં આવશે અને મતદારોને ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ આંદોલન દરમિયાન દરેક સમાજના દરેક લોકોને ચોક્કસપણે મતદાન કરવા અનુરોધ કરાશે અને ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવા અપીલ કરાશે. આ માટે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, ગ્રામિણ કક્ષાથી લઈને બુથ કક્ષા સુધી ફરી વળશે.
સંકલન સમિતિનાં કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ આયોજિત કાર્યક્રમોમાં જઈને કાળા વાવટા ફરકાવવામાં આવશે અને વિરોધ કરવામાં આવશે. આમ, આ બધી જાહેરાતો ઉપરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ આંદોલન સામાજિક નહી પણ રાજકીય બની ગયું છે.