RMCના એક અધિકારીને નામ આગળ ‘શ્રી’ લખાવવાનો ભારે શોખ! મોહન કુંડારિયા: ફેસબુક પર સીટિંગ સાંસદ, ઈન્સ્ટા પર પૂર્વ સાંસદ,વાંચો કાનાફૂસી
વિશ્વના પ્રખ્યાત સાહિત્યકાર શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું ? આ વાક્ય લોકપ્રિય બન્યા બાદ લગભગ દરેકના મોઢે તે સાંભળવા મળ્યું છે અને મળતું જ રહે છે. જો કે આ વાક્યથી વિપરિત કામ મહાપાલિકાના એક અધિકારી કરી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન કચેરીનો પ્રથમ માળ કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, સિટી ઈજનેર, પર્યાવરણ ઈજનેર, ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓની ઓફિસ આવેલી છે. બા-કાયદા ઓફિસ બહાર દરેકના હોદ્દા સાથેની નેઈમપ્લેટ પણ લગાવેલી છે. આમ તો આ નેઈમપ્લેટ ઉપર અરજદારો ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે કેમ કે તેમને જે-તે અધિકારીની ઓફિસમાં કામ અથવા ફાઈલ લઈને જવાનું થતું હોય છે. આ તમામ અધિકારીઓની નેઈમ પ્લેટમાં તેમનું નામ અને હોદ્દો લખાયેલો છે પરંતુ એક અધિકારીની નેઈમપ્લેટ જ એવી છે જેમાં નામ આગળ `શ્રી’ લખાયેલું છે. ત્યાં સુધી કે મ્યુનિસિપલ કમિશનર-નાયબ મ્યુનિસિપલ કમિશનરની નેઈમ પ્લેટમાં પણ નામ આગળ `શ્રી’ લખેલું નથી ત્યારે આ એક અધિકારીની નેઈમપ્લેટમાં જ `શ્રી’ શા માટે લખેલું હશે તે તો લખાવનાર અને લખનારને જ ખબર હશે. અત્રે એ મુદ્દો ટાંકવો પણ જરૂરી બની જાય છે કે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ નામની આગળ `શ્રી’ લખાવવું પસંદ નથી પરંતુ આ અધિકારીને આટલો `શોખ’ કેમ જાગ્યો હશે તે મુદ્દાને લઈને અત્યારે આખીયે કચેરીમાં તરેહ-તરેહની `કાનાફૂસી’ સાંભળવા મળી રહી છે.
કોર્પોરેટરે પાર્કિંગનો મુદ્દો ઉઠાવ્યો, પદાધિકારીઓ કહ્યું, બીજો કોઈ મુદ્દો હોય તો કહો, બાકી બેસી જાવ !
મહાપાલિકાની ચૂંટણી આડે હવે મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આ વખતે ગત ચૂંટણીની જેમ ભાજપને અકલ્પનીય બહુમતિ મળે તેવી શક્યતા ન હોવાનું રાજકારણ સાથે જોડાયેલા નિષ્ણાતો ભારપૂર્વક કહી રહ્યા છે. ખેર, એ તો મતપેટી ખુલશે ત્યારે ખબર પડી જશે પરંતુ ચૂંટણી વખતે દરેક પક્ષ `એકતા’નો સંદેશો આપ્યા વગર રહેતા નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જ સખળ-ડખળ ચાલી રહ્યાનું અને કોર્પોરેટરો એકબીજાના નામ પૂરતા જ વખાણ કરતા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલાં શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ વચ્ચે સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો પણ સામેલ હતા. આ વેળાએ શહેરમાં પે એન્ડ પાર્કિંગની ચર્ચા શરૂ થઈ હતી ત્યારે પોશ વિસ્તારના એક કોર્પોરેટરે ઉભા થઈને અમદાવાદ મહાપાલિકા દ્વારા પાર્કિંગ મુદ્દે કેવા નિર્ણય લેવાયા છે અને તેનાથી લોકોને કેવો ફાયદો થઈ રહ્યો છે તેનો વીડિયો ઉભા થઈને પદાધિકારીઓને બતાવાયો હતો. જો કે આ વીડિયો જોયો-ન જોયો કરીને પદાધિકારીઓએ કોર્પોરેટરને `બીજો કોઈ મુદ્દો હોય તો કહો, બાકી બેસી જાવ’ તેમ કહી દેતાં કોર્પોરેટર પોતાનું અપમાન થયું હોવાનું માનીને સમસમી ગયા હતા અને એટલે જ તેમણે બીજી વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવાનું ટાળ્યું હોવાનું `કાનાફૂસી’ કોર્પોરેટરોમાં જ સાંભળવા મળી હતી !
મોહન કુંડારિયાઃ ફેસબુક ઉપર સીટિંગ સાંસદ, ઈન્સ્ટાગ્રામ ઉપર પૂર્વ સાંસદ! ભૂલ કે અભરખો

રાજકોટના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાને પુરુષોત્તમભાઈ રૂપાલાને દોઢ વર્ષ જેવો સમય વીતી ગયો છે. અગાઉ આ બેઠક ઉપર મોહન કુંડારિયા સાંસદ બન્યા હતા પરંતુ આ વખતે પક્ષે તેમને કદ પ્રમાણે વેતરી નાખીને પુરુષોત્તમ રૂપાલાને ઉતાર્યા હતા અને તેઓ જીતી જતા મોહન કુંડરિયા પૂર્વ સાંસદ બની ગયા હતા. વળી, મોહન કુંડારિયા હાલ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયા એપ્લીકેશન ઉપર કાર્યરત છે પરંતુ આશ્ચર્યજનક રીતે જોવા મળ્યા પ્રમાણે તેઓને હજી સાંસદના અભરખા છૂટ્યા ન હોય તેમ ફેસબુક ઉપર સીટિંગ મતલબ કે વર્તમાન સાંસદ છે તો ઈન્સ્ટાગ્રામ ઉપર તેઓ પૂર્વ સાંસદ બની ગયા છે ! શું મોહન કુંડારિયા પોતે જ બન્ને એપ્લીકેશન ઉપર પોતાનું એકાઉન્ટ મેનેજ કરતા હશે કે પછી તેમના કોઈ વિશ્વાસું સંચાલન કરતા હશે તે તો જાણવા મળ્યું નથી પરંતુ એક જ વ્યક્તિના બબ્બે એકાઉન્ટ ઉપર સીટિંગ અને પૂર્વ સાંસદને લઈને રાજકીય ગલિયારાઓમાં તરેહ-તરેહની કાનાફૂસી થઈ રહી છે. શું મોહનભાઈને ફેસબુક ઉપર પૂર્વ સાંસદ લખવામાં કોઈ વાંધો હશે કે ધ્યાન બહાર રહી ગયું હશે તે પણ વિચાર કરવા જેવી બાબત છે.
લગ્નની સીઝનમાં જ 35 પોલીસ અધિકારીઓને મળ્યા `મોંઘેરા’ બ્લેઝર !
લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે અને ઠેર-ઠેર શરણાણીઓ, ડી.જે. વાગી રહ્યા છે ત્યારે આ સિઝનમાં શેરવાની, બ્લેઝર સહિતના મોંઘેરા કપડાં પહેરી ઠાઠમાઠ જમાવવાનો ટ્રેન્ડ પણ વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે રાજકોટમાં 35 પોલીસ અધિકારીઓ એવા છે જેમને લગ્નની સીઝન વખતે જ બ્લેઝર મળી જતાં ખુશીનો પાર રહ્યો નથી. આ બ્લેઝર કોઈ લગ્ન કે અન્ય પ્રસંગમાં હાજરી આપવા માટે નહીં પરંતુ ચાર ડિસેમ્બરથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર શરૂ થઈ રહેલી રાષ્ટ્રીય કક્ષાની હોકીમાં જેમને અલગ-અલગ જવાબદારી સોંપાઈ છે તેમાં પહેરવા માટે અપાયા છે. રાજ્ય પોલીસવડા સહિતના ટોચના પોલીસ અધિકારીઓ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સહિતના સમારોહમાં સામેલ થનાર હોવાથી પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ડીસીપીથી લઈ અલગ-અલગ પોલીસ મથક તેમજ બ્રાન્ચના પીઆઈ સહિત 35 અધિકારીઓ માટે એક જ ટેઈલર્સ પાસે નેવી બ્લુ કલરના બ્લેઝર સીવડાવાયા છે જેનું થોડા દિવસ પહેલાં જ માપ લેવા માટે ટેઈલર્સ અલગ-અલગ પોલીસ મથક તેમજ બ્રાન્ચમાં આંટાફેર કરતા જોવા મળ્યા હતા. હવે આ બ્લેઝર પહેરી અધિકારીઓ અન્ય જિલ્લા-શહેરના અધિકારીઓને `મીઠો’ આવકાર આપશે !
