ભાવનગરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના! ફોરેસ્ટ ઓફિસરે પત્ની, બે બાળકોની હત્યા કરી લાશ દાટી દીધી, ઠંડા કલેજે આપ્યો હત્યાને અંજામ
ભાવનગરમાં દૃશ્યમ ફિલ્મની મર્ડર મિસ્ટ્રી સ્ટોરી જેવી જ ઘટના વાસ્તવિકમાં બની, ફોરેસ્ટ ઓફિસરે જ તેની પત્ની અને પુત્ર-પુત્રીની હત્યા કરી લાશ નજીકમાં ફોરેસ્ટ કોલોની પાસે જ ખાડામાં દાટી દીધી હોવાના બનાવનો ઘટસ્ફોટ થયો છે. સુરતથી દિવાળી વે કે શનમાં આવેલી પત્ની, પુત્ર-પુત્રી છેલ્લા દસ દિવસથી લાપત્તl હોવાની ફોરેસ્ટ ઓફિસર પતિએ જ જાહેરાત કરી હતી અને પોતે સુરત ચાલ્યો ગયો હતો. ભાવનગર એલસીબીની ટીમે જમીનમાં દટાયેલા ત્રણેય મૃતદેહ શોધી કાઢી આરોપી ફોરેસ્ટ ઓફિસરને સુરતથી સકંજામાં લઈ ત્રિપલ મર્ડરનો ભેદ ઉકેલ્યો છે. ભાવનગર-તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસેના વિસ્તારમાં રહેતા વન વિભાગના અધિકારી એસીએફ (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાના પત્ની નયના (ઉ.વ.40), પુત્રી પૃથા (ઉ.વ.13) તથા પુત્ર ભવ્ય (ઉ.વ.9) સુરતમાં ત્યાં માતા-પિતા અન્ય પરિવારજનો સાથે રહેતા હતા. શૈલેષ અહીં ભાવનગર ડયુટી હોવાથી એકલો રહેતો હતો. દિવાળીના વેકેશનમાં પત્ની, પુત્ર-પુત્રી ત્રણેય ભાવનગર આવ્યા હતા. ગત તા.૫ના રોજ ફરી સુરત જવાના હતા.
ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ ત્રણેય તા.5ના રોજ સુરત પરિવાર પાસે જવા નીકળી ગયાનું પરિવારજનોને જણાવ્યું હતું. બે દિવસ વિત્યે પણ ત્રણેય સુરત પહોંચ્યા ન હતા. નયનાનો ફોન પણ બંધ આવતો હતો કે ફ્લાઈટ મોડ પર હોય તેવી સ્થિતિમાં હતો. પરિવારજનો તેમજ ભાવનગર નજીક રહેતા યુવતી નયના પરિવાર પક્ષના સભ્યો પણ ચિંતીત બન્યા હતા. બે દિવસ બાદ તા.૭ના રોજ ફોરેસ્ટ ઓફિસર શૈલેષ રોજ ભારતનગર પોલીસ મથકમાં પત્ની, પુત્ર-પુત્રી સુરત જવા નીકળ્યા બાદ ગૂમ થયા હોવાનું અને સંપર્કવિહોણા બન્યાની જાહેરાત કરતાં પોલીસ દ્વારા શોધખોળ આરંભાઈ હતી.
આ પણ વાંચો :રાજકોટની સોની બજારમાં વધુ એક ચીટિંગ : જયપુરનો કારીગર 42 લાખનું સોનું લઈ રફુચક્કર
મીસીંગ નોંધ આધારે પોલીસ શોધખોળ-કરી રહી હતી. પરિવારજનો કે નજીકના કેટલાક વ્યક્તિઓને કાંઈક અજુગતુ બન્યું હોવાની આશંકા ઉપજી હતી. અગ્રણીઓ, સ્નેહીઓએ-એસ.પી. નીતેશ પાંડેને સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ અંગે રજૂઆત કરી હતી. બનાવની ગંભીરતાને લઈને ગૂમ માતા, બે બાળકોની તપાસ એલસીબીને સોંપાઈ હતી. પોલીસ અધિકારીઓ_ ટીમ દ્વારા ફોરેસ્ટના કેટલાક કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછ તથા ગુપ્તરાહે તપાસ હાથ ધરી હતી જેમાં એવી માહિતી મળી હતી કે ફોરેસ્ટ કોલોની નજીક જ ઘાસના ગોડાઉન જગ્યામાં ત્રણેય ગૂમ થયાના સમયગાળા બાદ ખાડો ખોદાયો હતો ત્યાં કાંઈક અજુગતુ હોઈ શકેતેવી પોલીસ અધિકારીઓને_ શંકા દૃઢ બની હતી.
ખાડો ખોદતા જ દૃશ્યમ ફિલ્મની માફક ખૂલી મર્ડર મિસ્ટ્રીઃ ત્રણ મૃતદેહ મળ્યા
પોલીસને ઠોંસ માહિતી મળી હતી જે આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એફએસએલ અધિકારી ટીમ, સ્નીફર ડોગને સાથે રાખીને પોલીસ અધિકારીઓ ટીમ દ્વારા શંકાસ્પદ જગ્યા પર ખડે ખોદાયો હતો. ચારેક ફૂટ ઉંડા જતાં જ ત્યાંથી લાપત્તા નયનાબેન તથા બે સંતાનો પૃથા અને ભવ્યના મૃતદેહ મળી આવ્યા હતા. દૃશ્યમ ફિલ્મમાં યુવકની હત્યા કરીને જે રીતે લાશને ખાડો ખોદીને દાટી દેવામાં આવે છે તે જ ફિલ્મ સ્ટોરી માફક ત્રણેયના મૃતદેહ દાટી દેવાયા હતા. મૃતદેહોને પોલીસે મૃતકના નજીકના પરિવારજનોને સાથે રાખીને જરૂરી કાયદાકીય કાર્યવાહી સાથે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડયા હતા.
લાપત્તા ત્રણેયની લાશ જ મળતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટના અને ફોરેસ્ટ ઓફિસરે આરંભે વર્ણવેલી સ્ટોરી અને તપાસમાં નવો જ ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આવું કરવા પાછળનું કારણ સંભવતઃપણે દંપતી વચ્ચે ખટરાગ અને જે રીતે આરોપી શૈલેષ ખાંભલાએ મેસેજ બનાવ્યો હતો તેના પરથી ચારિત્ર્યની બાબત હોવાની આશંકા દર્શાવાઈ રહી છે. ઘટનાને અંજામ આપવા લાશને દાટવા સુધીના સમગ્ર ખૌફનાક ખેલમાં શૈલેષે અન્ય કોઈનો સાથ લીધો હતો કે કેમ ? ખાડો ખોદાયો ત્યાં સુધી લાશ લઈ આવી દાટવામાં આવી તે જોતા પોલીસે કોઈ અન્ય સંડોવાયેલા હોવાની આશંકા સાથે સકંજામાં રહેલા શૈલેષની સઘન પૂછતાછ હાથ ધરી છે.
ત્રિપલ મર્ડર મિસ્ટ્રીના ભેદભરમભર્યા બનાવને ભેદવા એસ.પી. નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એ.આર. વાળા, પીએસઆઈ વી.સી. જાડેજા, પીએસઆઈ પી.ડી. ઝાલા તથા ટીમે કવાયત કરી હતી, હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
આરોપી અધિકારી જાણે નિશ્ચિંત હોય તેમ બે દિવસ પૂર્વે સુરત ચાલ્યો ગયો હતો
પત્ની તથા બે બાળકો સુરત પરિવાર પાસે જવાનું કહીને તા.૫ના નીકળ્યા બાદ ગૂમ હોવાની બે દિવસ બાદ તા.7ના રોજ ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલા પોલીસ મથકે નોંધ કરાવી હતી.
ત્યારબાદ જાણે કાંઈ ન હોય કે પત્ની, બે માસૂમ બાળકોની ભાળ ન મળતી હોવા છતાં શૈલેષ ફરજ પર દશેક દિવસની રજા મુકીને બે દિવસ પૂર્વે તા.૧૩ના રોજ સુરત પરિવાર પાસે ચાલ્યો ગયો હતો. પોલીસને ખાડામાં કંઈક અજુગતુ હોવાની માહિતી મળી હતી જે આધારે આરોપી શૈલેષ સુરતથી ક્યાંય ફરાર ન થઈ જાય તે માટે તાબડતોબ પોલીસની એક ટીમ સુરત શૈલેષને ત્યાં પહોંચી હતી અને શૈલેષને ઉઠાવી લાવી ભાવનગર પહોંચી હતી.
મોબાઇલમાં છોડેલો મેસેજ શંકાના ઘેરાવમાં આવ્યો ને પોલીસે ભેદ ઉકેલ્યો
ત્રણેય માતા-પુત્ર લાપત્તા બન્યા બાદ નયનાબેનનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી હતી એ દરમિયાન પોલીસને મોબાઈલ હાથ લાગ્યો હતો. મોબાઈલમાં મેસેજ ટાઈપ થયેલો હતો કે હું મારી પુત્રી પૃથાના સાચા પરિવાર પાસે જાવ છું, ગોતતા નહીં, નહીં તો જીવતા નહીં મળીએ મેસેજથી પોલીસને શંકા ઉપજી હતી. આ ઉપરાંત આરોપી શૈલેષ ખાંભલા બનાવ સંદર્ભે ફરિયાદ કરવા નજીકનાઓ સમક્ષ આનાકાની કરતો હતો કે સમાજમાં ઈજજત જશે. આવા બહાનાબાજી રૂપ ઢોંગથી પોલીસને શંકા દૃઢ બની હતી. જે રીતે મેસેજ ટાઈપ થયેલો છે તેના પરથી ચારિત્ર્ય શંકા, કુશંકાને લઈને ફિલ્મીરૂપ મર્ડર મિસ્ટ્રીની ઘટના બની હોવાની પોલીસને આશંકા છે. આમ છતાં શકંજામાં રહેલા શૈલેષની વિસ્તૃત પૂછતાછ તપાસ બાદ મૃત્યુનું સાચું રહસ્ય બહાર આવશે.
