રાજકોટના મવડી વિસ્તારમાં બાળકી સાથે અડપલાં કરનાર 85 વર્ષના વૃદ્ધે કહ્યું, વીડિયો વાયરલ થતાં મારું નાક કપાયું!
અત્યંત શરમજનક કહી શકાય તેવી એક ઘટના રાજકોટના મવડી વિસ્તારમાં બનવા પામી હતી. ટ્રાફિકથી ધમધમતા મવડી ચોકડીના પુલ નીચે આવેલા મહાપાલિકાના પાર્કિંગમાં 85 વર્ષના એક વૃદ્ધે તેની પૌત્રીની ઉંમરની 12 વર્ષની બાળકીના શારીરિક અડપલા કર્યાનો વીડિયો સામે આવતા લોકોએ `ભાભા’ ઉપર ફિટકાર વરસાવ્યો હતો. આ પછી બાળકીના માતા-પિતાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે વૃદ્ધની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. એક તબક્કે પોલીસ મથકની સીડી ચડવામાં પણ વૃદ્ધને શ્વાસ ચડી ગયા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન લાજવાને બદલે વૃદ્ધે ગાજતાં કહ્યું કે, વીડિયો વાયરલ થવાને કારણે મારું નાક કપાઈ ગયું છે!
તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે વિરમ ભગાભાઈ બરાડિયાએ ત્રણ દિવસ પહેલાં પણ બાળકી સાથે મવડી ચોકડીના પુલ નીચે પાર્કિંગમાં જ અડપલા કર્યા હતા. પોલીસને વૃદ્ધે જણાવ્યું કે સાહેબ, બાળકી ગ્રીલ ઉપર બહુ ઉંચી થઈ રહી હોવાથી તે પડી ન જાય એટલા માટે હું તેને હાથથી બચાવી રહ્યો હતો ! મેં અડપલા કર્યા જ નથી. આ પ્રકારનું રટણ જ તેના મોઢેથી સાંભળવા મળ્યું હતું. સાથે સાથે વૃદ્ધે એમ પણ કહ્યું કે મારો વીડિયો વાયરલ થવાને કારણે નાક કપાઈ ગયું છે અને હું કોઈને મોઢું બતાવવા જેવો રહ્યો નથી.
જો કે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ બાળકીના રીતસરના અડપલાં કરી રહ્યો છે. પોલીસ દ્વારા વૃદ્ધને આ વીડિયો બતાવાયો છતાં તેણે અડપલાં કર્યાનો ઈનકાર કર્યે રાખ્યો હતો. આ પછી વૃદ્ધનો પુત્ર કે જે રિક્ષા ચલાવે છે તેની પૂછપરછ કરતાં તેણે પણ પિતાનો બચાવ કરતા કહ્યું કે બાળકી પડી ન જાય એટલા માટે જ તેઓ પાછળ હાથ મુકી રહ્યા હતા બાકી મારા દાદા (પિતા) આવું કરી શકે જ નહીં ! પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાળકીના પરિવારજનોએ પહેલાં તો અમારે વૃદ્ધ સાથે ઘર જેવો વ્યવહાર હોવાથી ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો હતો. જો કે પોલીસે બાળકીના પિતા કે માતા ફરિયાદ ન કરે તો પોતે ફરિયાદી બનવાની તૈયારી કરી લેવામાં આવી હોય આખરે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :મેયરના નામે ગાંઠિયા-ચીપ્સની ઉઘરાણી! સંજલાને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે ‘સંજય દૃષ્ટિ’જ નથી,વાંચો કાનાફૂસી
આવું બને તો કોનો કોણ ભરોસો કરે?
જે રીતે આમ ગણો તો જીવનના અંતિમ વર્ષો અને ભગવાન ભજવાનો સમય એવી 85 વર્ષની વયે વૃધ્ધે જે અધમ કૃત્ય કર્યું તેના પરથી એવા પ્રશ્નો ઉઠવા લાગ્યો કે પોતાના દાદાના ઉંમરથી પણ મોટા આવા વૃધ્ધો પૌત્રીથી પણ નાની વયની બાળકીઓ સાથે ન કરવાની ચેષ્ટા કરી બેસે તો આવા બનાવના કારણે કોણ કોનો ભરોસો કરે ? તેવો આ ઘટનાના પગલે વિસ્તારવાસીઓમાં ગણગણાટ થયો હતો.
