લ્યો બોલો.. અમુલ ચાય મજા અને ટી સ્પેશિયલમાં આજથી ભાવ ઘટાડો, જાણી લો નવી કિંમત
સામાન્ય રીતે ખાનગી ડેરી હોય કે અમુલ ડેરી હોય, અત્યાર સુધી દુધના ભાવમાં સમયાન્તરે વધારો જ થતો આવ્યો છે પણ કદાચ પહેલી વખત અમુલે તેના બે પ્રકારના દુધના ભાવમાં શુક્રવારથી અમલમાં આવે તે રીતે ઘટાડો જાહેર કર્યો છે. અમુલ ચાય મજા એક લીટરનું પાઉચ આજથી ૫૩ રૂપિયામાં અને અમુલ ટી સ્પેશિયલનું ૧ લીટરનું પાઉચ ૬૧ રૂપિયામાં મળશે. ભાવ ઘટાડાનો લાભ એક લીટરનું પાઉચ ખરીદનારને જ મળશે.
આ અંગે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એમ.ડી. જયકિશન ગાબરાએ વોઈસ ઓફ ડેને કહ્યું હતું કે, જે ગ્રાહકો ૧ લીટરનું પાઉચ ખરીદે તેને જ આ લાભ થશે. માર્કેટિંગ સ્ટ્રેટેજીનાં ભાગ રૂપે આ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

રાજકોટ જ નહી પણ રાજ્યભરમાં ચાની લારી કે પછી હોટેલવાળા ચા બનાવવા માટે મોટાભાગે ટી સ્પેશિયલ દૂધનો જ ઉપયોગ કરે છે અને રોજના લાખ્ખો પાઉચની ખપત છે. હજુ વધુ ડીમાન્ડ ઉભી થાય તે માટે આ ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ ભાવ ઘટાડાને લીધે વિતરક કે પછી રીટેઈલર્સના માર્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.