અમરેલીની ધરા ધ્રુજી : ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ
અમરેલીના ખાંભા, ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. આજે સવારે 10 વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ખાંભાના ભાડ વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, હાલ જાનહાનિના સમાચાર નથી.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકામા વધારો
રાજ્યમાં છેલ્લા છ મહિનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પણ અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2. 0 નોંધવામાં આવી હતી. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર દક્ષિણમાં હતું.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.