અમરેલી : બાબરકોટ નજીક કચરાનું રિસાઇક્લિંગ કરતાં કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 7 ટીમો ઘટનાસ્થળે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનામાં વધારો થતો જાય છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં નમકીન બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારે આજે અમરેલીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં અમરેલીના જાફરાબાદમાં કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ બનાવસ્થળે દોડી ગયા હતા. આગ કયા કારણોસર લાગી છે તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી.
શું છે સમગ્ર ઘટના ??
મળતી વિગતો અનુસાર આ ઘટના અમરેલી જિલ્લાના બાબરકોટ નજીક બની હતી જ્યાં કારખાનામાં કચરાનું રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું હતું અને તેની પ્રક્રિયા દરમિયાન કોઇ કારણોસર આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફાયરની 7 ટીમ ઘટનાસ્થળે
રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકા, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની,અલ્ટ્રાટેક સિમેન્ટ
જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્ષ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સહિતના ઉદ્યોગોના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અચાનક ભભૂકી ઉઠેલી આગના કારણે કારખાનામાં મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.