રાજકોટના સર્કિટ હાઉસમાં ભાજપ નેતાઓ સાથે અમિત શાહની ચાય પે ચર્ચા : સાંસદ પરષોત્તમ રૂપાલાની ગેરહાજરી!
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સહકારી મહા સંમલેનમાં હાજરી આપ્યા બાદ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરી રાજકોટ અને મોરબીના પૂર્વ અને વર્તમાન સાંસદ -ધારાસભ્યો સાથે ચાય પે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રીને મળવા માટે અધીરા બનેલા રાજકોટના સ્થાનિક નેતાઓ અને સંગઠનના અગ્રણીઓને કેન્દ્રીય મંત્રીએ માત્ર હાયહલ્લો જ કર્યું હતું. નોંધનીય બાબત એ હતી કે, સહકારી મહા સંમેલન તેમજ સર્કિટ હાઉસ ખાતે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સુરતથી સીધા જ રાજકોટ આવ્યા હતા જ્યા ચારેક કલાકના રોકાણ દરમિયાન બપોરે જિલ્લા બેન્ક ખાતે અનાવરણ કાર્યક્રમમાં હાજરી બાદ રેસકોર્સ મેદાન ખાતે સહકાર મહા સંમેલનમાં હાજરી આપી હતી. બાદમાં તેઓએ સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કરી રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, તેમજ અન્ય ધારાસભ્યો, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથરીયા અને જીતુ સોમાણી સહિતના ટોચના નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી. જો કે, રાજકોટના સ્થાનિક નેતાઓની કેન્દ્રીયમંત્રીને મળવાની આશા અધૂરી રહી હતી. સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડ તેમજ સર્કિટ હાઉસ ખાતે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાની ગેરહાજરી જોવા મળી હતી.
