ધરપકડના ડર વચ્ચે કેજરીવાલ કાલથી બે દિવસ આ સ્થળના પ્રવાસે જશે
કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે જનસભા સંબોધશે
નવી દિલ્હીના લીકર કેસમાં ધરપકડના ડર વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ 7, 8 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ જાહેરસભા પણ સંબોધવાના છે.
આપનાં સુત્રો અનુસાર, 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી હાજર રહેશે. રવિવારે સવારે તેઓ વડોદરા પહોંચશે અને ત્યારબાદ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ બંને મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જેલમાં મુલાકાત કરવા માટે જશે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર માટે તૈયારી આરંભી દીધી છે,ભાજપે તો પોતાના કાર્યકરોને મોટી સંખ્યામાં જમીની સ્તરે ઉતારી પણ દીધા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરે તેવુ લાગી રહ્યુ છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમની આ મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.