ગજબ : રાજકોટમાં ઝૂપડામાં રહેતી શ્રમિક મહિલાએ મોબાઈલ ચોરીની નોંધાવી E-FIR ! પોલીસ પણ થઈ ગઈ આશ્ચર્યચકિત
ડિઝિટલાઈઝેશનના જમાનામાં અત્યારે મહત્તમ કામકાજ આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ અથવા કોમ્પ્યુટર ઉપર ઘરબેઠા થઈ શકે છે. ગૃહ વિભાગ દ્વારા પણ લોકોને પોલીસ મથકના ધક્કા ફરિયાદ નોંધાવવા માટે ખાવા ન પડે તે માટે E-FIRની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે શિક્ષિત વર્ગ હજુ આ સુવિધાનો લાભ લેવાની જગ્યાએ પોલીસ મથક પર જઈને જ ફરિયાદ નોંધાવવાનો આગ્રહ રાખી રહ્યા હોય ઘણી વખત તેમની ફરિયાદ લેવામાં આવી ન રહ્યાની બૂમ પણ સાંભળવા મળતી હોય છે ત્યારે ઝૂપડામાં રહેતી એક શ્રમિક મહિલાએ પોતાનો મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ ઓનલાઈન નોંધાવતાં ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી !

આ અંગે શહેરના અમુલ સર્કલ પાસે અમનગેટની સામે ઝૂપડામાં રહેતી મમતા ભૂપતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ફુગ્ગા અને રમકડા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પાસે 20,000ની કિંમતનો એક મોબાઈલ ફોન તેના પતિના નામે ખરીદ કર્યો હતો. દરમિયાન તે ઝુપડપટ્ટીમાં ઓશીકા પાસે મોબાઈલ રાખીને સૂતી હતી ત્યારે વહેલી સવારે 5 :45થી 6: 30 વાગ્યા સુધીમાં આ મોબાઈલ કોઈ ચોરી કરીને લઈ ગયું હતું.
આ પણ વાંચો : 58 વર્ષે એજબેસ્ટનનો કિલ્લો ભેદતી ટીમ ઇન્ડિયા : બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 336 રને શાનદાર વિજય, આ છે ઐતિહાસિક જીતના 5 ફેક્ટર
જ્યારે તે જાગી ત્યારે ફોન જોવા ન મળતાં તેણે પાડોશીના ફોનમાંથી પોતાના ફોન પર સંપર્ક કર્યો પરંતુ તે બંધ આવતાં ફોન ચોરાયો હોવાનું ધ્યાન પર આવતાં જ તેણે E-FIR કરી હતી જે કર્યાના બીજા જ દિવસે તેને થોરાળા પોલીસ મથક ખાતે બોલાવાઈ હતી પરંતુ તે બહારગામ હોવાથી જઈ શકી ન્હોતી એટલે બીજા દિવસે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.