સદૈવ સર્વોત્તમઃ રવિવારે રાજકોટ જોશે ભારતીય વાયુસેનાનું ‘શૌર્ય’! ફાઈટર પ્લેનના એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે
શનિ અને રવિવાર રાજકોટ માટે ઐતિહાસિક દિવસ બની રહેવાના છે કેમ કે આ બે દિવસ દરમિયાન રાજકોટવાસીઓને ફાઈટર પ્લેનના ક્યારેય નિહાળવા ન મળ્યા હોય તેવા એક-એકથી ચડિયાતા કરતબ જોવા મળશે સાથે સાથે ભારતીય વાયુસેનાનું `શૌર્ય’ જોવાના સાક્ષી બનવાની પણ તક રહેશે. ભારતીય વાયુસેના અને મહાપાલિકા દ્વારા આગામી રવિવારે અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારના આકાશમાં સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ તેમજ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પદાધિકારીઓએ કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી પણ આપી હતી.
આ પણ વાંચો :‘કાળિયા ઠાકોર’નો આદેશ હશે તો ‘લાલો-2’ બનાવીશું! 100 કરોડનાં કલબમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે શનિવારે સવારે 10 વાગ્યે સૂર્યકિરણ એર-શોનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે. જ્યારે રવિવારે સવારે 10 વાગ્યાથી એર-શો શરૂ થશે. સામાન્ય રીતે આ પ્રકારનો એર-શો 30 મિનિટ પૂરતો યોજાતો હોય છે પરંતુ રાજકોટમાં તેનો સમયગાળો 60 મિનિટ કરતા પણ વધુનો રહેશે. આ ઉપરાંત એરફોર્સ બેન્ડની સુરાવલી સાંભળવાની પણ પ્રથમવાર તક મળશે.
ભારતીય વાયુસેનાના નવ જેટલા વિમાન દ્વારા આકાશમાં એક કલાક સુધી દિલધડક સ્ટન્ટ કરવામાં આવશે. યુવાઓમાં એરફોર્સમાં કારકીર્દિ અંગે ઉત્સાહ વધારવા માટે આ એર-શોનું આયોજન કરાયું છે. અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં આ એર-શો સારી રીતે નિહાળી શકાય તે માટે અટલ સરોવર બહાર બેસીને અથવા ઉભા રહી શકે તે રીતે વ્યુઈંગ સ્થળ જાહેર કરાશે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખી બીઆરટીએસ કોરિડોર ખાલી રખાશે. સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર આસપાસના રસ્તાઓ પર જુદી-જુદી જગ્યાએ વ્યુઈંગ એરિયા નક્કી કરવામાં આવી રહ્યા છે જે માટે નકશો તૈયાર કરવા સહિતની કાર્યવાહી કરાઈ રહી છે. આ વ્યુઈંગ એરિયામાં લોકો રસ્તા પર કે આજુબાજુના ખુલ્લા પ્લોટમાં ઉભા રહી અથવા બેસીને એર-શો નિહાળી શકાશે.
આ પત્રકાર પરિષદમાં મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખોડલધામમાં : પ્રદેશ પ્રમુખ, નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાશે
લોકોને બે કલાક વહેલા સ્થળ પર પહોંચી જવા અપીલ
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લોકોને એવી અપીલ પણ કરવામાં આવી હતી કે રવિવારે સવારે 10 વાગ્યાથી એર-શો શરૂ થવાનો છે ત્યારે ભીડથી બચવા અને વ્યવસ્થાના ભાગરૂપે લોકો બે કલાક વહેલા એટલે કે સવારે આઠ વાગ્યાથી જ સ્થળ પર પહોંચી જાય તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પ્રદર્શન, એરફોર્સ બેન્ડની સુરાવલી એર-શોનું આકર્ષણ
રવિવારે સવારે 10 વાગ્યાથી માત્ર એર-શો જ નહીં બલ્કે ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પ્રદર્શન તેમજ એરફોર્સ બેન્ડની સુરાવલી કે જે દરેક સ્થળે સાંભળવા મળતી નથી તે પણ રાજકોટીયન્સ સાંભળી શકશે. આ ઉપરાંત એરફોર્સ પોતાનું રડાર પણ જામનગરથી લઈને આવશે.
અટલ સરોવરની અંદર નહીં, બહાર ઉભા રહીને જ એર-શો જોઈ શકાશે
મ્યુનિસિપલ કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે એર-શો નિહાળવા માટે લોકોએ અટલ સરોવરની ટિકિટ ખરીદીને એન્ટ્રી મેળવવાની જરૂર નથી. મહાપાલિકા દ્વારા ચાર વ્યુઈંગ પોઈન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જ્યાં ઉભા રહીને અથવા બેઠા-બેઠા ફાઈટર પ્લેનના કરતબ નિહાળી શકાશે. જો કે આ માટે સવારે આઠ વાગ્યે પહોંચી જવાની અપીલ પણ તેમણે કરી હતી.
