કથિત પત્રકારનો ત્રાસ વધ્યો! ‘પાર્ટી કરતાં હોવ એવા વીડિયો મારા પાસે છે’ કહી ડૉક્ટર પાસે ખંડણી માંગી
રાજકોટમાં સ્કૂલ સંચાલકની અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી ત્રણ કહેવાતા પત્રકારોએ 25 લાખની ખંડણી માંગ્યાનો કિસ્સો હજુ તાજો જ છે ત્યાં અમરેલીમાં પણ આવો એક બનાવ પોલીસ ચોપડે નોંધાતાં રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં કથિત પત્રકારોનો ત્રાસ અનહદ વધી ગયો હોવાનું લાગ્યા વગર રહેતું નથી. કથિત પત્રકાર અને તેના સાગ્રીત દ્વારા ટ્રસ્ટની હોસ્પિટલના ડૉક્ટર પાર્ટી કરી રહ્યા હોય તેવો વીડિયો તેની પાસે હોવાનું કહી 30 લાખની ખંડણી માગ્યા બાદ 13 લાખમાં પતાવટ કરવા માટેની ઓફર આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે અમરેલીના હનુમાનપરા રોડ પર રહેતા ડૉ.રામભાઈ ખોડાભાઈ ભુવાએ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ અમરેલીના ચીત્તલ રોડપર નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ (ગોળ દવાખાનું)માં છેલ્લા પાંચ વર્ષથી મેનેજમેન્ટ તરીકે કાર્યરત છે. ગત તા.17 મેએ તેઓ હોસ્પિટલ હતા ત્યારે એક પત્રકારે અખબારનું નામ આપીને મળવા માંગે છે તેવો ફોન કર્યો હતો. આ પછી બપોરે 2ઃ15 વાગ્યે તે વ્યક્તિ હોસ્પિટલે આવ્યો હતો અને તેણે પોતાનું નામ જયેશ લીંબાણી જણાવ્યું હતું. તેની સાથે અન્ય એક શખ્સ પણ હતો જેના ગળામાં પ્રેસ લખેલી દોરી હતી.
આ પછી જયેશ લીંબાણીએ તેના મોબાઈલ ફોનમાં પાંચ-છ ફોટા બતાવ્યા હતા જેમાં અમારી હોસ્પિટલના ડૉ.અર્પણ જાની અને અન્ય મહેમાનો જોવા મળી રહ્યા હતા. આ પછી જયેશે કહ્યું કે ડૉ.અર્પણ જાની અને ઈન્સપેક્શન માટે આવેલા લોકોએ ફાર્મહાઉસમાં પાર્ટી કરી હોય તેવા વીડિયો એક વ્યક્તિ પાસે છે. આ વીડિયો વાયરલ નહીં કરવાના બદલામાં 20-20 લાખના બે ચેક માંગ્યા હતા. આ વેળાએ ડૉ.અર્પણ જાની પણ ઓફિસમાં આવી ગયા હતા અને તેમની પાસે પણ જયેશ લીંબાણીએ વાતચીત કરી હતી.
દરમિયાન 20 મેએ દોઢેક વાગ્યે જયેશ લીંબાણી હોસ્પિટલે આવ્યો હતો અને તેણે ત્રણ સેક્નડનો વીડિયો બતાવ્યો હતો જેમાં ડૉ.અર્પણ જાની અને તેમના મહેમાનો ડાન્સ કરી રહ્યાનું જોવા મળતું હતું. આ વીડિયો જયેશે ડૉ.રામને મોકલ્યો હતો. જો કે વીડિયોમાં કશું બિભત્સ ન હોય પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો.
ત્યારબાદ જયેશ લીંબાણીએ ન્યુઝ પ્લેટ મોકલી હતી જેમાં ડૉ.અર્પણ જાનીનો ફોટો તેમજ `પ્રખ્યાત ટ્રસ્ટ સંચાલિત અર્ધ સરકારી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દારૂની રેલમછેલમ, પરિણીત ડૉક્ટરો અને અન્ય મહિલાઓ સાથે અય્યાશી કરતો વીડિયો થયો વાયરલ…’ સહિતનું લખાલખેલું હતું.
આટલું પત્યા બાદ એ જ દિવસે જયેશ લીંબાણી હોસ્પિટલે આવ્યો હતો અને કહ્યું હતું કે જે વ્યક્તિ પાસે વીડિયો છે તે તમે રૂપિયાનો આંકડો આપ્યા બાદ જ અહીં આવશે. જયેશે ડૉ.રામને તે વ્યક્તિ સાથે વાતચીત પણ કરાવી હતી. એકંદરે 23 મે સુધી પૈસાની ઉઘરાણી ચાલ્યા બાદ 13 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું જેમાંથી છ-છ લાખનું આંગડિયુ અને એક લાખ રૂપિયા રોકડા જયેશ લીંબાણી હોસ્પિટલે આવીને લઈ જશે તેવું નક્કી કરાયું હતું. જયેશ લીંબાણીએ 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર અને તેમાં અંગ્રેજીમાં સિદ્ધરાજસિંહ સોલંકીનું લખાણ લખેલું હતું તે પણ મોકલ્યો હતો. જો કે ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોય તેમણે આખરે ફરિયાદ નોંધાવી હતી.
