તમામ દુકાનદારો સ્વદેશી ઉત્પાદનો જ વેંચે : અમરિકાના ટેરીફ બોમ્બ સામે નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવાનો આપ્યો મંત્ર
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલ સુધી ભવ્ય રોડ શૉ યોજી ખોડલધામ મેદાન ખાતે વીશાળ જનસભાને સંબોધતા પૂર્વે વડાપ્રધાન મોદીએ રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા હતા.

વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિશાના ઉપર લેતા કહ્યું હતું કે, સામાન્ય માણસ, ખેડૂત અને ઉદ્યોગોનું હિત અમારા માટે સર્વોપરી છે. દેશહિત માટે ક્યારેય કોઈના દબાણમાં નહીં આવીએ તેમ કહી લોકોને ટ્રમ્પના ટેરિફ બૉમ્બ સામે સ્વદેશી અપનાવવાનો મંત્ર આપ્યો હતો. વડાપ્રધાને દેશના ઉત્પાદકોને પોતાની પ્રોડ્કટની ક્વોલિટી સુધારવા ઉપર ભાર મૂકી કિંમત ઘટાડવા જણાવી દુકાનદારોને સ્વદેશી ચીજવસ્તુઓ જ વેચાણ કરવા આગ્રહ કર્યો હતો, સાથે જ દેશ આઝાદીની 100મી વર્ષગાંઠ મનાવતો હશે ત્યારે વિકસિત ભારત સ્વદેશીનો રાજમાર્ગ અપનાવી આત્મનિર્ભર બની ગયું હશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિકોલ ખાતે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ગણેસોત્સવનો અદભુત ઉત્સાહ છે. ગણપતિ બાપાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો પણ શ્રીગણેશ થયો છે. મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના અનેક પ્રોજેક્ટ જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરવાનો, તમને સોપવાનું સૌભાગ્ય મળ્યું છે.વધુમાં તેમને ઉમેર્યું હતું કે, ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે.

એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. ભારત આજે આ બન્નેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થયું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશની,સમાજની રક્ષા કેવી રીતે કરાય, તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવડાવ્યું છે જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. આ જ ભાવ આજે ભારતના નિર્ણયમાં પણ દેશ અનુભવ કરી રહ્યો છે, દેશ જ નહીં દુનિયા પણ આ બન્ને મોહનના માર્ગોનો અનુભવ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાટ્રપતિ ટ્રમ્પ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં દરેક વ્યક્તિ આર્થિક હિતો પર આધારિત રાજકારણ કરવામાં વ્યસ્ત છે. ત્યારે હું તમને વચન આપું છું કે તમારા હિતો મોદી માટે સર્વોપરી છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને પશુપાલકોને ક્યારેય કોઈ નુકસાન થવા દેશે નહીં. ગમે તેટલું દબાણ આવશે, અમે ટકી રહેવા માટે અમારી તાકાત વધારતા રહીશું. આજે, આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાત તરફથી ઘણી ઊર્જા મળી રહી છે.
આ પણ વાંચો : દિવ્યાંગની મજાક ન ચાલે, જાહેર માફી માંગો : 5 કોમેડિયન્સને સોશિયલ મીડિયા પર માફી માંગવા સુપ્રીમ કોર્ટનો હુકમ
સાથે જ વડાપ્રધાને ગુજરાતની ધરતી પરથી દેશવાસીઓને આગ્રહ સાથે કહ્યું હતું કે, હું સ્વદેશી ખરીદીશને આપણે જીવનમંત્ર બનાવીએ. સાથે જ વેપારીઓને વિદેશી વસ્તુઓ ન વેચવા અનુરોધ કરી દુકાન બહાર અહીં સ્વદેશી વસ્તુઓ જ મળશે તેવા બોર્ડ લગાવવા પણ અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને દેશના ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોની ક્વોલિટી સુધારવાની સાથે કિંમત ઘટાડવા આગ્રહ કરી કહ્યું હતું કે, દેશ આઝાદીની 100મી વર્ષ ગાંઠ મનાવતો હશે ત્યારે સ્વદેશીની તાકાતથી સંપૂર્ણ આત્મનિર્ભર બનતા કોઈ તાકાત રોકી નહીં શકે.
