રાજકોટ, મોરબી અને જામનગરના તમામ 189 યાત્રિકો હેમખેમ : ગૌરીકુંડ નજીક ખાસ પગદંડી તૈયાર કરી યાત્રિકોને રવાના કરાયા
રાજકોટ, જામનગર અને મોરબીથી ચારધામ જાત્રાએ ગયેલા 189 લોકોનું ગ્રુપ કેદારનાથથી પરત આવતી વેળાએ ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડિંગ થતા ગૌરીકુંડ નજીક ફસાયા હતા. જો કે, ફસાયેલા યાત્રિકોએ રાજકોટ જિલ્લા કલેકટરનો સંપર્ક કરતા જિલ્લા કલેકટરે સ્ટેટ ડિઝાસ્ટર મારફતે મદદ પહોંચાડતા તમામ યાત્રિકો હેમખેમ આગળની યાત્રા માટે રવાના થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાના 189 સિનિયર સીટીઝન ચારધામની યાત્રાએ ગયા હતા જેમાં તા.1 સપ્ટેમ્બરના રોજ કેદારનાથના દર્શન કરી પરત સોનપ્રયાગ અને ગુપ્તકાશી તરફ આવતા હતા ત્યારે ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડિંગ થતા ગૌરીકુંડ નજીક ફસાઇ ગયા હતા.જ્યાં એક હોટલ સંચાલકે તમામ યાત્રિકોને ઉતારા માટે વ્યવસ્થા કરી હતી. બીજી તરફ અધવચ્ચે ફસાયેલા રાજકોટના યાત્રિક ધીરુભાઈ ચીકાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી મદદ માંગી હતી.

દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે ઉત્તરાખંડમાં ફસાયેલા રાજકોટ, જામનગર અને મોરબીના યાત્રિકો અંગે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક કરી મદદ પહોંચાડવા સંદેશ આપતા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ યાત્રિકો સાથે સંપર્ક જાળવી રાખી ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ મારફતે તત્કાળ મદદ પહોંચાડી યાત્રિકો માટે જ્યાં લેન્ડ સ્લાઈડિંગ થયું હતું ત્યાં પગદંડી બનાવી યાત્રિકોને હેમખેમ આગળના પ્રવાસ માટે રવાના કર્યા હતા.
આ પણ વાંચો :બેધ્યાનપણું ? હજુ સરકારી બંગલો પર તો રાજકોટના જૂના S.P.નો જ સિક્કો !
દરમિયાન યાત્રિક ધીરુભાઈ ચીકાણીનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, કેદારનાથ યાત્રાએથી પરત આવતી વેળાએ ભારે વરસાદને કારણે અમે લોકો ફસાઈ ગયા હતા. જો કે, ગૌરીકુંડ નજીક હોટલ સંચાલકે માનવતા દાખવી તમામ પ્રવાસીઓને આશ્રય આપ્યો હોવાનું તેમજ યાત્રા દરમિયાન માઇનસ ચાર ડીગ્રી તાપમાન અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હોવાનું તેમને જણાવી આજે તમામ યાત્રિકો હરિદ્વાર ખાતે પહોંચી જનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.
ક્યાં ક્યાં ગામના યાત્રિકો ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા યાત્રિકોમા જામનગરના ફલ્લા, હડિયાણા મોરબીના બેલા, બગથળા, જબલપુર, ઓટાળા, રાજપર, હળવદ ઉપરાંત સુરેન્દ્રનગર અને જૂનાગઢના યાત્રિકોનો સમાવેશ થાય છે