અમદાવાદ બનશે દેશનું સ્પોર્ટ્સ કેપિટલ : અમિત શાહે 825 કરોડના ખર્ચે બનેલુ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને કર્યું અર્પણ
ઓલિમ્પિક 2036ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.

રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવી તથા મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.

દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા આધુનિક સંકુલોથી રમત ગમતની પૂરતી સુવિધાઓ વિકસી છે.
તેમણે વધુમાં કહ્યું કે, 10 વર્ષ પહેલાં ખેલકૂદ વિભાગનું બજેટ 1643 કરોડ હતું જે વધીને હવે 5300કરોડ થયું છે. ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓનું પર્ફોર્મન્સ, ન્યુટ્રીશન ચિકિત્સા, ઇંજરી વગેરેનું ધ્યાન રખાય છે. દેશમાં નવું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, પેરાગેમ્સ અને વિન્ટર ગેમ્સ પણ યોજાય છે. નવી ખેલ નીતિ સ્પોર્ટ્સ પોલીસી પણ આપણે લાવ્યા છીએ.

તેમણે ઉમેર્યું કે, 2029માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. અને 2036માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ઓલિમ્પિક રમતોની યજમાની માટે અમદાવાદ સજ્જ બન્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ અમદાવાદ સમર્થ બન્યું છે. આજે લોકાર્પિત થયેલું સ્પોર્ટ્સ સંકુલ રાજ્યના ખેલાડીઓ માટે એક મહત્વનું પ્લેટફોર્મ પુરવાર થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગને ગૌરવપૂર્વક ક્ષણ ગણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નારણપુરા ખાતે નિર્માણ પામેલું વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં એક્વેટિક્સ સ્ટેડિયમ, સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોટ્સ સેન્ટર, આઉટડોર કોર્ટ અને ફિટ ઇન્ડિયા ઝોન જેવા વિવિધ વિભાગોમાં અનેકવિધ રમતો, તેના કોચિંગ, પ્રેક્ટિસ, સહિત નાગરિકો અને ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ, યોગા અને ફિટનેસ એક્ટિવિટીઝ માટે અનેકવિધ સુવિધાઓ અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે.
