અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : સુપ્રીમ કોર્ટે પ્રાથમિક અહેવાલ પર કરી નારાજગી વ્યક્ત, કહ્યું-પાયલોટને જવાબદાર ઠેરવવા દુર્ભાગ્યપૂર્ણ
અમદાવાદ વિમાન દુર્ઘટના જે 12 જૂન 2025ના રોજ બની હતી આ ગોઝારી દુર્ઘટના જે આજે પણ લોકો ભૂલી શક્યા નથી. . આ દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસ અહેવાલના આધારે પાઇલટ્સને જવાબદાર ઠેરવવા એ બેજવાબદારીભર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અંતિમ તપાસ અહેવાલ જાહેર ન થાય ત્યાં સુધી પરિવારો માટે આરોપ લગાવવા પીડાદાયક રહેશે.

સુપ્રીમ કોર્ટે પ્રાથમિક અહેવાલ પર નારાજગી વ્યક્ત કરી
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના ફ્લાઇટ AI 171ની દુ:ખદ વિમાન દુર્ઘટના અંગેના પ્રાથમિક અહેવાલ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોર્ટે પાયલટની ભૂલ તરફ નિર્દેશ કરતા નિવેદનને “દુર્ભાગ્યપૂર્ણ અને બેજવાબદાર” ગણાવીને કેન્દ્ર સરકાર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પાસે જવાબ માંગ્યો છે. આ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જનહિત અરજી એવિએશન સેફ્ટી એનજીઓ “સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન” દ્વારા દાખલ કરવામાં આવી છે.

તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવી રાખવી જોઈએ
કોર્ટે કહ્યું, “જો કાલે કોઈ બેજવાબદારીપૂર્વક કહે કે પાઇલટ A કે B ભૂલમાં હતા, તો પરિવારને ભોગવવું પડશે… અને જો અંતિમ રિપોર્ટમાં પાછળથી કોઈ દોષ ન મળે તો શું?” કોર્ટે ભાર મૂક્યો કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવી રાખવી જોઈએ.
વોલ સ્ટ્રીટ જર્નલ રિપોર્ટ પર પ્રશ્નો
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન નામની NGO વતી એડવોકેટ પ્રશાંત ભૂષણે સ્વતંત્ર અને કોર્ટ-નિરીક્ષણ હેઠળ તપાસની માંગણી કરતી જાહેર હિતની અરજી દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી. ભૂષણે દલીલ કરી હતી કે અમેરિકન પ્રકાશન, વોલ સ્ટ્રીટ જર્નલે કેન્દ્ર સરકારને પ્રારંભિક રિપોર્ટ સુપરત થાય તે પહેલાં જ ક્રેશ તપાસ રિપોર્ટ પર એક વાર્તા પ્રકાશિત કરી હતી.

ભૂષણે કહ્યું કે પાછળથી, સરકારે રિપોર્ટ જાહેર કર્યો અને વ્યાપકપણે અહેવાલ આપ્યો કે અકસ્માત પાઇલટની ભૂલ હતી. બંને ખૂબ જ અનુભવી પાઇલટ હોવા છતાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાઇલટે પોતે જ ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી.
અહેવાલમાં કોકપિટ ઓડિયોનો ઉલ્લેખ
જુલાઈમાં AAIB દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં દુર્ઘટનાનું કારણ પાયલટની ભૂલ હોવાનો ઉલ્લેખ કરાયો છે. અહેવાલમાં કોકપિટ ઓડિયોનો ઉલ્લેખ છે, જેમાં કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો સમાવેશ થાય છે. એક પાયલટે પૂછ્યું, “તેં ફ્યુઅલ કેમ કાપ્યું?” જેના જવાબમાં બીજાએ કહ્યું, “મેં નથી કાપ્યું.” આથી પાયલટની ભૂલની અટકળો શરૂ થઈ છે. જોકે, એનજીઓનું કહેવું છે કે આ અહેવાલ મહત્વની માહિતી છુપાવે છે અને નાગરિકોના જીવન, સમાનતા અને સાચી માહિતીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
આ પણ વાંચો : વોશરૂમ જવા માંગતા પેસેન્જરે કર્યો કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ : ફ્લાઇટમાં હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો
એનજીઓની જનહિત અરજીમાં દાવો કરાયો છે કે આ અહેવાલ ફ્યુઅલ-સ્વિચ ખામી અને ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સ જેવી પ્રણાલીગત ખામીઓને હળવી બનાવી નાખે છે અને દુર્ઘટનાનું કારણ ઉતાવળે પાયલટની ભૂલને આભારી ઠેરવે છે. પિટિશનરના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે દુર્ઘટનાને 100 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી માત્ર પ્રાથમિક અહેવાલ જ આવ્યો છે. તેમણે કહ્યું કે આ અહેવાલમાં શું થયું હશે અને શું સાવચેતી રાખવી જોઈએ તેનો ઉલ્લેખ નથી. પરિણામે, બોઇંગ વિમાનોમાં મુસાફરી કરતા તમામ મુસાફરો આજે જોખમમાં છે.
ભૂષણે દલીલ કરી કે પાંચ સભ્યોની તપાસ ટીમમાં ત્રણ સભ્યો DGCAના કર્મચારીઓ છે, જે હિતનો ટકરાવ દર્શાવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, “જે સંસ્થા પોતે સવાલોના ઘેરામાં હોય, તેના કર્મચારીઓ કેવી રીતે નિષ્પક્ષ તપાસ કરી શકે?”
આ કેસની સુનાવણી દરમિયાનજસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે જણાવ્યું કે નિષ્પક્ષ તપાસની માંગ સમજી શકાય છે, પરંતુ તમામ તારણો જાહેર કરવાથી તપાસ પર અસર પડી શકે છે. જસ્ટિસ કાંતે કહ્યું કેવીજો એમ કહેવામાં આવે કે પાયલટ ‘A’ જવાબદાર છે, તો તેના પરિવારને નુકસાન થશે. તેમણે ગોપનીયતાના મહત્વ પર ભાર મૂકી અને સંબંધકર્તા પક્ષોનો જવાબ માંગ્યો છે.
