અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રીએ પતંગ પર હાથ અજમાવ્યો : વિદેશી પતંગબાજો ખુશખુશાલ
ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.
એટલું જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે, એવું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વોકલ ફોર લોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને ઓળખ મળી છે.
આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો માત્ર ગુજરાતનો જ છે. ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો હતો.
ઉદઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.