અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધનને પગલે AMCનો નિર્ણય
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી તા.૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત આગામી ફલાવર શોને લઈને પણ અમદાવાદ કોર્પોરેશન અસમંજસમાં છે. 1 જાન્યુઆરીથી શરૂ થતા ફ્લેવર શોની તારીખ બદલાઈ શકે છે. Amc એ આ અંગે પણ વિચારણા શરૂ કરી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું ગુરુવાર રાતે નિધન થયું હતું. જાણકારી અનુસાર, તબિયત ખરાબ થયા બાદ તેમને મોડી સાંજે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. દેશના મહાન સપૂતના નિધન બાદ દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમ્યાન તિરંગો અડધી કાંઠીએ ફરકાવવામાં આવશે.