અમદાવાદ : વક્ફ બોર્ડ બિલ માટેની JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી, વાતાવરણ તંગ બન્યું
વકફ સંશોધન બીલ માટે રચવામાં આવેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી ગુજરાતની મુલાકાતે હતી અને ગુજરાત વકફ બોર્ડ તથા સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સરકાર વતી પક્ષ રજૂ કરવા બેઠકમાં પ્રતિનિધિમંડળ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. એક તબક્કે વકફ બોર્ડના નિયમો અને કાયદા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. જેના લીધે બેઠકમાં વાતાવરણ તંગ બન્યું હતું.
આ બેઠકમાં ગુજરાત સરકારે જેપીસી સમક્ષ તમામ વિગતો રજૂ કરી હતી.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPCમાં રાજ્ય સરકારે સુધારા અને સૂચનો આપ્યા છે. જેમાં સરકારે નાગરિકોના હિતના જરૂરી એવા સૂચનો જેપીસી સમક્ષ રજૂ કર્યા હતા.
આ બેઠકમાં ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આજે ગૃહ રાજ્યમંત્રી તરફથી સરકાર શું કરી રહી છે તેનું પ્રેઝન્ટેશન કરાયું હતું. ‘સરકારે પ્રેઝન્ટેશન કર્યું તેના સમર્થનમાં અમે નથી. સરકાર તરફથી કલેકટરને સત્તા આપવાની સૂચન હતું. સમગ્ર દેશમાં રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ આવેલા છે. જેથી આ બિલ લાવી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વકફ બોર્ડની મિલકતોની સંખ્યા 45 હજારથી વધુ છે. જેમાંથી 39 હજારથી વધુ સ્થાવર મિલકતો છે જ્યારે બાકીની જંગમ મિલકતો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રોપર્ટી લિસ્ટમાં માત્ર કબ્રસ્તાન, મસ્જિદો, મદરેસાઓ જ નહીં પરંતુ રહેણાંક મકાનો, ખેતીની જમીનો, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો પણ સમાવેશ થાય છે. જો આ પ્રોપર્ટીની કિંમત બજાર કિંમત પર ગણવામાં આવે તો આ આંકડો કરોડ સુધી પહોંચી શકે છે.