ઉડી ઉડી જાય…રાજકોટમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ-દોરાના બજારમાં તેજીનો પવન, રણવીર-અક્ષય ખન્નાના ફોટાવાળી ધુરંધરની પતંગોનો જબરદસ્ત ક્રેઝ
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં પતંગોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. હોલસેલ માર્કેટમાં પતંગ અને દોરાની ધૂમ ખરીદી બાદ હવે છેલ્લું સપ્તાહ રિટેલ માર્કેટમાં ખરીદી નીકળશે તેવી આશા સિઝનલ સ્ટોરના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આવતા દિવસોમાં સદર બજાર અને મુખ્ય માર્કેટોમાં રાત્રે પણ દિવસ જેવી ચહલપહલ સાથે “રાત્રે સૂરજ ઉગશે” એવો માહોલ સર્જાશે.

આ વર્ષે ઉત્તરાયણમાં પવન પતંગબાજોને કેટલો સાથ આપશે તે તો હવામાન વિભાગની આગાહી પરથી સ્પષ્ટ થશે, પરંતુ પતંગપ્રેમીઓનો ઉત્સાહ અત્યારે જ આકાશે છે. ખાસ કરીને ફિલ્મી થીમ આધારિત પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રણવીર અને અક્ષય ખન્નાના ફોટાવાળી “ધુરંધર” પતંગો સાથે દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગોનો પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સિઝન સ્ટોરનાં વેપારી શરદભાઈ કહે છે કે,ભાવની વાત કરીએ તો, આ વર્ષે પતંગ અને દોરામાં સરેરાશ 25 થી 30 ટકા સુધી ભાવવધારો નોંધાયો છે. તેમ છતાં હોલસેલ બજારમાં તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે અને વેપારીઓનું કહેવું છે કે માંગમાં કોઈ ઘટાડો નથી. પંજા 50 રૂપિયાથી શરૂ થઈ 400 રૂપિયા સુધી ઉપલબ્ધ છે. ગુણવત્તા અને મજબૂતીને ધ્યાનમાં રાખીને બરેલી અને સુરતી દોરો રાજકોટવાસીઓની પહેલી પસંદ બની રહ્યા છે.
આ પણ વાંચો :ગબ્બરની સેકેન્ડ ઇનિંગ: પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનના ઘરે ફરીવાર ગુંજશે શરણાઈ, જાણો કોણ છે તેની મંગેતર અને ક્યારે છે લગ્ન?

પતંગ અને દોરા ઉપરાંત ઉત્તરાયણના અન્ય આકર્ષણો પણ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આકાશમાં મોટે મોટેથી અવાજ કરતાં વિવિધ પ્રકારના વાિંજત્રો, રંગબેરંગી ટોપી, ગોગલ્સ અને બાળકો માટેના રમકડાંનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓને આશા છે કે આવતા એક અઠવાડિયામાં રિટેલ માર્કેટમાં ભારે ભીડ ઉમટશે અને વેચાણ વધશે. ભાવવધારો છતાં પતંગપ્રેમીઓનો ઉત્સાહ અડગ છે અને ઉત્તરાયણને આવકારવા માટે બજાર તૈયાર છેહવે બસ પવન સાથ આપે, તો આકાશ રંગીન બની જ જશે.



