રાજકોટના રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડિસ્કો દાંડિયા બાદ હવે થશે આતશબાજી! ધનતેરસે 18 પ્રકારના 1151 નંગ ફટાકડાના ધૂમ-ધડાકાનું આયોજન
નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય દર વર્ષની માફક આ વર્ષે પણ આ પર્વમાં અવનવા કાર્યક્રમની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભવ્યાતિભવ્ય આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.18 ઑક્ટોબરને ધનતેરસના પર્વે મહાપાલિકા દ્વારા આ આતશબાજી યોજવામાં આવશે જેમાં 18 પ્રકારના 1151 નંગ ફટાકડા ફૂટશે. આ આતશબાજી એક કલાક સુધી ચાલનાર હોવાનું જાણવા મળ્યું છે. આ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા ગત વર્ષ જેટલા જ ફટાકડા આ વર્ષે પણ ફોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફટાકડાની વાત કરવામાં આવે તો 200 નંગ કોમેટ, 200 નંગ માઈન્સ, 700 નંગ એરિયલ શોટ, 10 નંગ 240 મલ્ટીકલર એરિયલ શોટ, 10 નંગ 120 મલ્ટી કલર શોટ, ચાર નંગ 100 શોટ (ક્રેકલિંગ), ચાર નંગ 100 શોટ મ્યુઝિકલ, ચાર નંગ 100 શોટ સાઈરન ઉપરાંત હેપ્પી દિવાલીનું બોર્ડ, પીકોક, ઝાડ થ્રી ઈન વન ખજૂરી, સૂર્યમુખીનું ઝાડ, પામ ટ્રી, ગોલ્ડ સ્ટાર ઝાડ, ઈલેક્ટ્રિક ખજૂરી ઝાડ, અશોકચ્રક ઝાડ તેમજ મોટા તારા મંડળ સહિતના ફટાકડા ફૂટશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષથી મહાપાલિકા દ્વારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નવરાત્રિ રાસોત્સવ માટે ભાડે આપવાનો નિર્ણય લીધા બાદ હાલ અહીં અર્વાચીન રાસોત્સવ ચાલી રહ્યો છે જે પૂર્ણ થયા બાદ હવે ધનતેરસની આતશબાજી પણ આ જ ગ્રાઉન્ડ ઉપરથી સાંભળવા મળશે. ટેન્ડરમાં ખાસ શરત મુકવામાં આવી છે કે આતશબાજી ફરજિયાતપણે એક કલાક સુધી ચાલું રાખવી પડશે. ફટાકડાના ધંધાર્થીઓ પાસેથી તંત્રએ ભાવ મંગાવ્યા છે જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર એજન્સી અથવા વ્યક્તિને આતશબાજીની જવાબદારી સોંપવામાં આવશે.
