સમાધાન : વિવાદ બાદ એક મંચ પર જોવા મળ્યા મેયર,ધારાસભ્ય અને સાંસદ
જામનગરનાં સાંસદ પૂનમ માડમે રિવાબાને આપી જન્મ દિવસની શુભકામના
જામનગરમાં આજરોજ ધારાસભ્ય રિવાબા જાડેજાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પૂનમ માંડમ અને જામનગરના મેયર પણ ઉપસ્થિતિ રહ્યા હતા. થોડા દિવસ પહેલા થયેલા વિવાદ બાદ આ ત્રણેય મહિલા નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. આજે જામનગર ખાતે સપ્તરંગી સેવા –યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રંસગે 78 જામનગર ઉત્તર વિધાનસભામાં દરેક વોર્ડમાં આધારકાર્ડમાં સુઘારો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવા, જન ધન બેંક ખાતા ખોલાવી આપવા સહિતના જન સેવા કેમ્પનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું .
આ પ્રસંગે સાંસદ પુનમ માડમે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તેનો જન્મદિવસ સેવાયજ્ઞના માધ્યમથી ઉજવતો હોય છે ત્યારે આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ પ્રસંગે આજે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેંશા કાર્યકર્તાઓ પાસે તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરવા પ્રેરણા આપતા રહ્યા છે. આજે ધારાસભ્ય રિવાબાએ તેમનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિ કરી ઉજવ્યો છે. આજે આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન થઇ રહ્યો છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ રિવાબા જાડેજાને જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર સત્તામા નહી પણ જવાબદારી પુર્વક જનતાને કેવી રીતે મદદ કરી શકે તેના સંસ્કાર મળતા રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન મળતુ હોય છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ નિમિતે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય સામાન્ય હોતો નથી પણ સામાન્ય વ્યકિત છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ 1251 જેટલા અલગ અલગ લાભાર્થીઓને મદદરૂપ થવાનો કાર્યક્રમ યોજ્યો.