55 દિવસ સુધી ‘અભ્યાસ’ કર્યા બાદ અંતે સાંસદને જમીન સામે જમીન આપશે રાજકોટ મનપા : રસ્તાને પહોળો કરવા માટે કપાતમાં ગઈ’તી જમીન
રાજકોટની વસતી, વિસ્તાર અને વાહન ત્રણેયમાં વધારો થઈ રહ્યો હોવાથી રસ્તાઓ પહોળા કરવાની તાતી જરૂરિયાત હવે જણાઈ રહી છે. આવો જ એક રસ્તો કે જે વોર્ડ નં.2ના શીતલ પાર્ક મેઈન રોડથી શરૂ થઈ નિલકંઠ પાર્ટી પ્લોટ સુધી જાય છે તેને પહોળો કરવામાં આવ્યો હતો. જો કે રસ્તો પહોળો કરાતા સાંસદ રામભાઈ મોકરિયા સહિત સાત લોકોની જમીન કપાતમાં જતી હોય તેમને વળતર કેવી રીતે આપવું તેનો અભ્યાસ 55 દિવસ સુધી ચાલ્યા બાદ આખરે સાંસદને જમીન સામે જમીનનું વળતર આપવા સહિતનો નિર્ણય લેવાઈ ગયો હતો.
સોમવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાની કપાતમાં ગયેલી 246.93 ચોરસમીટર તેમજ જેન્તીભાઈ મનજીભાઈ સગપરિયાની 277.51 ચોરસમીટર જમીન સામે તેમને કપાત જમીનથી નજીમાં જ આવેલા મહાપાલિકાની માલિકીના પ્લોટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રસ્તો પહોળો કરવામાં સાત લોકોની જમીન કપાતમાં ગઈ હતી જેમાં શહેર ભાજપના કાર્યાલય કમલમ્નો પણ સમાવેશ થાય છે. જો કે સાત પૈકી ત્રણ અસરગ્રસ્તો જેમાં કમલમ્ કાર્યાલય પણ સામેલ છે તેના દ્વારા કપાતમાં ગયેલી જમીન સામે મહાપાલિકામાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરી માર્જિન, પાર્કિંગ તેમજ એફએસઆઈનો લાભ મેળવી લેવાયો હતો જ્યારે બે અસરગ્રસ્તો દ્વારા કપાત થયા બાદ બાકી રહેતી જમીન પર ભવિષ્યમાં મહાપાલિકામાં બિલ્ડિંગ પ્લાન રજૂ કરી વૈકલ્પીક વળતર રૂપે માર્જિન, પાર્કિંગ તેમજ એફએસઆઈનો લાભ લેવાનું નક્કી કરાયું હતું.
જો કે રામભાઈ મોકરિયાને જમીન સામે જમીનનું વળતર આપવા મુદ્દે છેલ્લી ત્રણ બેઠકથી મડાગાંઠ સર્જાયેલી હોવાને કારણે નિર્ણય લેવાઈ રહ્યો ન્હોતો અને વધુ અભ્યાસ માટે આ દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી. 55 દિવસ સુધી અભ્યાસ ચાલ્યા બાદ આખરે સ્ટેન્ડિંગ કમિટીની ચોથી બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી મળી જતા હવે સાંસદ સહિત બે લોકોને જમીન સામે જમીનનું વળતર પ્રાપ્ત થશે.