ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
રાજકોટમાં ટ્રાફિક, ભંગાર રસ્તા, સફાઈ બાદ બીજી કોઈ મોટી સમસ્યા હોય તો તે ગાંડી વેલની છે. આ એક એવી વનસ્પતિ છે જે પાણીની વચ્ચોવચ્ચ ઉગી ગયા બાદ તેને જો સમયસર કાઢવામાં ન આવે તો મચ્છરોનો ભયંકર ઉપદ્રવ થઈ જાય છે. આ સમસ્યાનો સામનો બેડી યાર્ડની પાછળ રહેતા લોકો તેમજ લાલપરી તળાવ આસપાસના વિસ્તારના લોકો ઘણા વર્ષોથી કરી રહ્યા છે. વળી, મહાપાલિકા દ્વારા આ સમસ્યામાંથી લોકોને છૂટકારો અપાવવા માટે એજન્સીને કામ પણ આપવામાં આવી રહ્યું છે. આવું જ એક કામ બે વર્ષ માટે ક્લિનટેક નામની એજન્સીને અપાયું હતું જેણે બે વર્ષની અંદર ગાંડી વેલ દૂર કરવામાં પૂરતું ધ્યાન આપ્યું ન હોવાને કારણે સમસ્યા ઘટવાની જગ્યાએ વકરી ગઈ છે. જો કે કામ કર્યું કે ન કર્યું તે જોયા વગર જ બે વર્ષ દરમિયાન તેને 1.12 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયા બાદ વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ લંબાવવાની દરખાસ્ત આવતાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા પ્રમાણે બે વર્ષ દરમિયાન ગાંડી વેલની ઉત્પતિમાં થવો જોઈએ એટલો ઘટાડો થયો નથી અને આસપાસના લોકો પણ આ દિશામાં કોઈ જ નિરાકરણ ન આવ્યાની ફરિયાદો કરી રહ્યા હોય આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી ક્લિનટેક એજન્સીનો કોન્ટ્રાક્ટ એક વર્ષ લંબાવવાની જગ્યાએ રિ-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા એજન્સીને 2023-24ના વર્ષમાં 43,48,260 અને 2024-25ના વર્ષમાં 69,30,354 એમ બે વર્ષમાં કુલ 1.12 કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવાયા છતાં હજુ સુધી ગાંડી વેલનું સામ્રાજ્ય ઘટવાનું નામ ન લઈ રહ્યું હોય આખરે આ ખર્ચ પાણીમાં જ ગયો તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
આ પણ વાંચો : આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન

રેસકોર્સ આર્ટ ગેલેરી માટે `તોતિંગ’ ભાડું મંજૂર
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રેસકોર્સમાં 5.90 કરોડના ખર્ચે રિનોવેટ થયેલી ડૉ.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીના બુકિંગ માટે સુચવવામાં આવેલું તોતિંગ ભાડું મંજૂર કરવામાં આવ્યું હતું. હવે અહીં કોઈ પણ કલા પ્રદર્શન કરાવનાર સંસ્થા કે વ્યક્તિએ 12,000થી 37000 સુધીનું ભાડું ચૂકવવું પડશે.

144 કરોડના વિકાસકાર્ય-ખર્ચની 60 દરખાસ્ત મંજૂર
ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 144 કરોડના વિકાસકાર્ય તેમજ ખર્ચની 60 દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આ દરખાસ્તોમાં 71.79 કરોડના રસ્તાકામ, 2.56 કરોડના ડ્રેનેજકામ, 24.15 કરોડના વોટર વર્કસને લગતા કામ, 21.55 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ-ફાયર સ્ટેશન બનાવવાનું કામ સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.