નરેન્દ્ર મોદી બાદ હવે સચિન પહોંચ્યા ‘વનતારા’ : કહ્યું મને પણ વડાપ્રધાન જેવો જ અનુભવ થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર જિલ્લામાં રિલાયન્સ ગ્રુપ દ્વારા પશુબચાવ, પશુ સંરક્ષણ અને પશુ પુનર્વાસ કેન્દ્ર `વનતારા’નો પ્રવાસ કર્યો હતો. મોદીની મુલાકાત પૂર્ણ થતાં જ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર `વનતારા’ પહોંચ્યા હતા. તેંડુલકરે કહ્યું કે મને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો જ અનુભવ થયો છે. અહીં અનંત અને તેની ટીમનો વન્ય જીવ સંરક્ષણ પ્રત્યે ઝનૂન અને કટિબદ્ધતા વખાણવાલાયક છે. વંનતારામાં રહેતા પ્રાણીઓ તમને અનોખો સ્પર્શ કરે છે અને હું આ ખુબસુરત જગ્યાને એક નહીં બલ્કે વારંવાર જોવા માટે ઉત્સુક છું.
સચિન તેંડુલકરે નરેન્દ્ર મોદીની વનતારાની મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટ ફરીથી શેર કરી છે. વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા પછી, PM મોદીએ કહ્યું, “વનતારા જેવી કોશિશ ખરેખર પ્રશંસનીય છે.”
PMએ X પર એક પોસ્ટમાં લખ્યું: “વનતારા જેવી કોશિશ ખરેખર પ્રશંસનીય છે, જે આપણા સદીઓ જૂના સંસ્કારનું જીવંત ઉદાહરણ છે, જેની સાથે આપણે આ પ્લાનેટ શેર કરીએ છીએ. અહીં કેટલીક ઝલક છે…”
બીજી પોસ્ટમાં, તેમણે લખ્યું, “વનતારા, એક અનોખી જંગલીજીવોના સંરક્ષણ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન પહેલનું ઉદ્ઘાટન કર્યું, જે પ્રાણીઓ માટે સલામત આશ્રય પ્રદાન કરે છે અને જંગલીજીવોની કલ્યાણને પ્રોત્સાહન આપે છે. હું અનંત અંબાણી અને તેમની સમગ્ર ટીમને આ ઉત્તમ પ્રયાસ માટે અભિનંદન આપું છું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પોસ્ટને ક્વોટ કરીને સચિન તેંડુલકરે કહ્યું, “હું જ્યારે વનતારામાં હતો ત્યારે મેં પણ આવું જ ફીલ કર્યું હતું જેવું માનનીય PM @narendramodi જી એ કહ્યું. અનંત અને તેમની ટીમની જંગલીજીવોના સંરક્ષણ માટેની ઉત્સાહ અને પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. વનતારામાં બચાવેલા અને પુનર્વસિત કરેલા પ્રાણીઓ તમને અનોખી રીતે સ્પર્શે છે અને હું આ સુંદર સ્થળ ફરીથી મુલાકાત લેવા માટે આતુર છું.”