અધિકારીઓને બ્લુ ટીક મેળવી લેવા લો એન્ડ ઓર્ડરના વડા દ્વારા સૂચન
આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ, ધારાસભ્યો સહિત સરકારી અધિકારીઓના સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટ બનાવી ગઠિયાઓ લોકો પાસે ગૂગલ પે, પેટીએમ વગેરે મારફતે પૈસા માગતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડૉ.શમશેર સિંઘ દ્વારા IAS અને IPS અધિકારીઓના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ મામલે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વેરીફાઈ કરાવીને બ્લુ ટીક મેળવી લેવા સહિતના સૂચનો કરાયા છે. પોલીસ મહાનિર્દેશક ડૉ. શમશેર સિંઘએ એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, તમામ અધિકારીઓએ તેમના એકાઉન્ટ/પ્રોફાઈલને વેરીફાઈ કરવીને બ્લુ ટીક મેળવવી જોઈએ જેથી ફેક પ્રોફાઈલને ઝડપથી ઓળખી શકાય. તો તમામ અધિકારીઓએ ફેક પ્રોફાઈલ બનતી અટકાવવા એકાઉન્ટ લોક રાખવા જોઈએ. એટલે કે તેમના એકાઉન્ટ પબ્લિકના બદલે પ્રાઈવેટ રાખવા જોઈએ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઇલ એકાઉન્ટ લોક રાખવી અથવા ઓન્લી ફ્રેન્ડ જોઇ શકે તે પ્રકારના પ્રાઈવસી સેટીંગ રાખવા.ફ્રેન્ડ રિક્વેસ્ટ ની ખરાઇ કર્યા બાદ જ રીક્વેસ્ટ સ્વીકારવી, સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા જોઇએ તેમજ સમયાંતરે બદલવા જોઇએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટૂ ફેક્ટર ઓથોરએશન રાખવા અને અલગ-અલગ સોશિયલ મીડિયાના પ્રોફાઇલ અને એકાઉન્ટના પાસવર્ડ એક સમાન ન રાખતા અલગ-અલગ રાખવા જોઇએ.