સેન્ટ્રલ જીએસટીમાં ‘વહીવટ’ને અટકાવાશે: અપીલ,નોટિસ અને હિયરિંગ બધું જ ઓનલાઈન
વેપારીઓ અને કરદાતાઓને રૂબરૂ નહિ બોલાવી શકે અધિકારીઓ:હવે સ્ટેટ જીએસટીમાં પણ ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવા માંગ
જીએસટીમાં અધિકારીઓને મળતો ‘પ્રસાદ’ બંધ કરવા માટે હવેથી નોટિસથી માંડી અપીલ અને તેની સુનાવણી સહિતની કામગીરી ઓનલાઇન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી વિભાગમાં અધિકારીઓ વહીવટ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉભી થતા આ અંગેની નવી જાહેર કરવામાં આવી છે જેમાં હવેથી વેપારીઓને કારણ વગર બેસાડી શકાશે નહીં.
કરદાતાઓને નોટિસ અને હિયરિંગના નામે રૂબરૂ બોલાવીને વહીવટ અમુક અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને હવે નવી ગાઈડલાઈન આવી છે જેમાં કોઈપણ પ્રકારની નોટિસ કે હીયરિંગ માટે હવે રૂબરૂ જવાનું રહેશે નહીં તમામ જવાબ અને સ્પષ્ટતા ઓનલાઇન કરવા માટે જણાવવામાં આવ્યું છે જેની સુનાવણી ઓનલાઇન થાય તેનો રેકોર્ડ પણ રખાશે.
સેન્ટ્રલ જીએસટી દ્વારા આ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે,જો સ્ટેટ જીએસટીમાં પણ આ પ્રકારની જ ઓનલાઇન કાર્યવાહી થાય તો તોડબાજી કરતા હોય અધિકારીઓને અટકાવી શકાય તેવી માંગણી પણ કરવામાં આવી છે, નવી ગાઈડલાઈનના લીધે કામગીરીમાં પારદર્શકતા સાથે સમયનો વ્યય પણ અટકશે.