સ્માર્ટ મીટરની વધારાની કામગીરીથી જીબીયા લાલઘૂમ : લડતનું રણશિંગુ ફૂંકશે, વ્હાલા-દવલાની નીતિ સામે પણ ઉગ્ર રોષ
રાજ્યના ઉર્જા વિભાગ હેઠળ આવેલ PGVCL, DGVCL, MGVCL, UGVCL, જેટકો તથા GSECL કંપનીઓમાં ફરજ બજાવતા ઇજનેરોના સૌથી મજબૂત સંગઠન જીઇબી એન્જિનિયર્સ અસોશિએશન એટલે કે, જીબીયાની તાજેતરમાં અમદાવાદ ખાતે સીએમસી બેઠક યોજાઈ હતી જેમાં કામની સરખામણી, અપૂરતો સ્ટાફ, સીયુજી મોબાઈલ તેમજ PGVCLમાં સ્માર્ટ મીટર ફિટિંગ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવા છતાં કર્મચારીઓ પાસે દબાણ પૂર્વક કામ સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા નક્કી કરી લડતનું રણશિંગુ ફૂંકવા નક્કી કરાયું હતું.
તાજેતરમાં અમદાવાદના બોપલ ખાતે જીઇબી એન્જિનિયર્સ અસોશિએશનની સીએનસી મિટિંગમાં યોજાઈ હતી જેમાં ઈજનેર કેડરના લાંબા સમયથી પડતર પ્રશ્નોને વાચા આપવા માટે સાતેય કંપનીઓના 150થી વધુ ઉપસ્થિત સભ્યોએ DISCOM કંપનીઓમાં કામગીરી બાબતે કોઈ યુનીફોર્મ સ્ટ્રક્ચર ન હોય એક યા બીજી કંપનીમાં ફરજ બજાવતા અધિકારીઓમાં કામગીરીની સરખામણી કરતાં હોવાથી મેનેજમેંટની આ ભેદભાવભરી નીતિથી એસોસિએશનના સભ્યોમાં વ્યાપક અસંતોષ અને રોષ ઉદ્ભવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સાથે જ PGVCL કંપનીના મેનેજમેંટ દ્વારા જે સ્માર્ટ મીટર લાગવાની કામગીરી પ્રાઇવેટ એજન્સીને આપેલ હોવા છતાં સ્માર્ટ મીટરને સંલગ્ન વધારાની કામગીરી જે તે સબ-ડિવિજનને આપતા જે તે સબ-ડિવિજનના ઈજનેરો ઉપર કામનું ભારણ ખુબ જ વધી ગયું છે.ઉપરાંત PGVCL કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઇજનેર કેડરોની બદલીઓમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવવમાં આવતી હોવાથી મેનેજમેન્ટની આ નીતિનો સામે પણ ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટની તિજોરી કચેરીમાં કર્મચારીઓની અનિયમિતતા : ઉડાવ જવાબથી અરજદારો હેરાન-પરેશાન
આ ઉપરાંત, DGVCL અને MGVCL કંપનીના એસોસીએશનના મિટિંગમાં હાજર હોદ્દેદારો દ્વારા અલગ અલગ મુદ્દે મેનેજમેંટ વિરુદ્ધ રોષ વ્યક્ત કરી કામગીરીનો બોજ વધવા મામલે તેમજ DISCOM કંપનીઓમાં ઈજનેરો પાસે રહેલ CUG મોબાઇલમાં ગ્રાહકો દ્વારા 24 કલાક ફોન કોલ સતત ચાલુ રહેવાથી ઈજનેરો ઉપર માનસિક દબાણ વધતું હોવાનું અને ઇજનેરો ચિંતાગ્રસ્ત અને બીમારીનો શિકાર થઈ રહ્યા હોવાનું જણાવી મેન્ટેનન્સ માટે પૂરતું સ્ટાફ સેટ અપ ન હોય મુશ્કેલીઓ ઊભી થઈ રહેલ હોવાથી આગળની ન્યાયિક રણનીતિ ઘડવાનું નક્કી કરી ઉગ્ર લડત આપી ન્યાય મેળવવાનું નક્કી કરતો ઠરાવ પસાર કરવામાં આવેલ હતો.
