ACP પ્રદીપસિંહ જાડેજા વચનના પાક્કા !
નોકરિયાત પરિવારની મરણમૂડી સમાન રોકડ, દાગીનાની ચોરી થયા બાદ તેમને કોઈ પણ ભોગે પરત અપાવવા આપેલું પ્રોમીસ' પાળી બતાવ્યું
તસ્કરોને તો પકડ્યા જ સાથે સાથે પરિવારને કોર્ટ મારફતે ઝડપથી તેમની વસ્તુઓ મળી જાય તેવા પ્રયત્ન કરી મેળવી સફળતા
અમદાવાદ પોતાના જ ઘરમાંથી મરણમૂડી સમાન રોકડ રકમ, જર-ઝવેરાત સહિતની ચોરી થઈ જાય એટલે પરિવાર ઉપર આભ ફાટી પડતું હોય છે. આ પછી સૌથી વધુ મદાર પોલીસ ઉપર જ રહેતો હોય છે અને પોલીસ ઝડપથી ચોરી કરનારને પકડી પોતાની મરણમૂડી પરત અપાવે તેવી સૌની અપેક્ષા હોય છે. જો કે ઘણાખરા કિસ્સાઓમાં પોલીસની
આળસ’ને કારણે તસ્કર તો મોડેથી પકડાઈ જાય છે પરંતુ પકડાય તે પહેલાં તેણે ચોરીની વસ્તુઓ વેચી નાખી હોવાથી માત્ર તસ્કરને પકડીને જ સંતોષ માનવો પડતો હોય છે ! જો કે અમદાવાદના જે-ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તમામ પોલીસ અધિકારી-કર્મી માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. તેમના કાર્યક્ષેત્રમાં આવતાં એક વિસ્તારમાં ૮.૬૯ લાખની ચોરી થવા પામી હતી. આ પછી પરિવાર ભારે આશા સાથે તેમની પાસે આવ્યો હતો. પરિવારની વેદના સાંભળી એસીપી જાડેજા દ્વારા તેમને કોઈ પણ ભોગે ચોરાઉ રકમ, દાગીના પરત અપાવવાનું વચન આપ્યું હતું અને તે પાળી બતાવી પોતે વચનના એકદમ પાક્કા હોવાનું પણ સાબિત કરી બતાવ્યું છે.
ચાર દિવસ પહેલાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી ૮.૪૨ લાખના દાગીના, મોબાઈલ રોકડ સહિતની ૮,૬૯,૪૯૬ની ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ પોલીસ કમિશનર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની, એસીપી પ્રદીપસિંહ જાડેજા સહિતનાએ તસ્કરોને પકડવા માટે ટીમ બનાવી રાત-દિવસ એક કરી દીધા હતા. પોલીસને તેમાં સફળતા મળી હતી અને આ ચોરીમાં સામેલ પ્રકાશ ઉર્ફે પક્કો ચંદુભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૪) અને ભરત બચુભાઈ દેવીપૂજક (ઉ.વ.૨૩) નામના બે રીઢા તસ્કરો પકડાઈ ગયા હતા અને તેમના કબજામાંથી પોલીસે ૮,૫૫,૬૯૧ રૂપિયાનો મુદ્દામાલ પણ પરત અપાવ્યો હતો.
આ પછી પોલીસે પરિવારને હાઈકોર્ટ મારફતે ઝડપથી મુદ્દામાલ મળી રહે તે માટે તમામ પ્રયત્નો કર્યા હતા અને ગણતરીના દિવસોમાં જ સઘળી વસ્તુ પરત અપાવી હતી.