ચોટીલા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને બગોદરા પાસે અક્સમાત: 10ના મોત
ચોટીલાથી દર્શન કરી પરત જતા પરિવારને અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ૧૦ લોકોના મોત થયા હતા મૃતકોમાં 5 મહિલા, પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં અન્ય 10 વ્યક્તિને ઈજા થઇ હતી જે તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા બગોદરા પોલીસ અને હાઇવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
કપડવંજ અને બાલાસિનોરના અલગ અલગ પરિવારના ૧૭ સભ્યો છોટા હાથી ટેમ્પોમાં ચોટીલા દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી પરત જતા હતા ત્યારે બાળવા અને બગોદરા વચ્ચે એક ટ્રક જેમાં પંચર પાડ્યું હોવાથી રસ્તામાં ઉભો હતો ત્યારે છોટા હાથી આ બંધ ટ્રક પાછળ ઘુસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સુધલાના રઈબેન માધાભાઈ ઝાલા (ઉવ૪૦),પ્રહલાદ મહેન્દ્રભાઈ ઝાલા (ઉવ ૩૦),વિશાલ હિમ્મતભાઈ ઝાલા (ઉવ ૧૨)ભાદસરના અભેસંગ ભિમસંગ સોલંકી (ઉવ૫૫), બાળકી જાનકી જેસંગભાઈ સોલંકી અન્ય એક બાળકી વૃષ્ટિકા હિમાંતભાઈ ઝાલા તેમજ કાન્તાબહેન જુવાનસીગ ઝાલા (ઉવ ૪૫),ગીતાબેન હિમતભાઇ ઝાલા (ઉવ ૫૨),શાંતાબેન અભેસીગ સોલંકી (ઉવ ૩૫),લીલાબેન બાલાજી પરમાર (ઉવ ૫૫)ના મોત થયા હતા જયારે વિનય વિક્રમભાઈ ઝાલા સહિતના અન્ય ૭ મુસાફરોને ઈજા થઇ હતી. અકસ્માત બાદ અમદાવાદ હાઈવે ઉપરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઇ જતા વાહનોનો લાંબી કતારો લાગી હતી.પોલીસે કટરની મદદથી ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા.
પીએમ દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાય :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.