કોંગ્રેસના અડધો ડઝન નેતાઓનું અબ કી બાર… ઇનકાર!!
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓએ હાર માની લીધી હોય તેવો માહોલ ઉભો થયો છે
રાજકોટની ટિકિટ માટે ત્રણ નામ ચર્ચામાં
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ આ કડીમાં નબળી સાબિત થઇ રહી છે. કેમ કે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા જ હાર માની લીધી હોય એવો માહોલ સર્જાયો છે. સુત્રો અનુસાર, જે સીનિયર નેતાઓને લોકસભા ચૂંટણી માટે ઓફર થઇ રહી છે, તે તમામ નેતાઓએ લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ લિસ્ટમાં ગુજરાત કોંગ્રેસના ૧૦ થી ૧૨ સીનિયર નેતાઓના નામ સામેલ છે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વ પ્રમુખ અને સીનિયર નેતા જગદીશ ઠાકોર બાદ અન્ય પૂર્વ પ્રમુખ ભરતસિહ સોલંકીએ પણ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. ભરતસિહ સોલંકીએ જણાવ્યું છે કે, મને કોંગ્રેસે ઘણું આપ્યું છે અને હાલમાં મારી જવાબદારી જમ્મુ-કાશ્મીરમાં છે આવી સ્થિતિમાં હું ચૂંટણી લડવા માટે સમય આપી શકું એમ નથી. જગદીશ ઠાકોર અને ભરતસિહ સોલંકી ઉપરાંત બળદેવજી ઠાકોર, ઈંદ્રવીજયસિહ, હિમતસિહ પટેલ, ઋત્વિજ મકવાણા, શૈલેષ પરમારે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ યાદીમાં જિજ્ઞેશ મેવાણી પણ છે અને તેમણે પણ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.
લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય છે અને લડાયક છે. તેમણે આજે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટી હાઇકમાન્ડે તેને પોરબંદરની ટીકીટ આપી છે અને તે હું સ્વીકારું છું. હું પોરબંદરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.
રાજકોટમાં હજુ નામ ફાઈનલ થયું નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, હિતેશ વોરા, ડો. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી રહ્યા છે અને એકાદ દિવસમાં ફાઈનલ થઇ જશે.