‘આધાર’ બન્યું મોંઘું : સુધારા-વધારા કરવા રૂ.10 થી 25નો ફી-વધારો લાગુ, કેન્દ્ર સરકારે આધાર કાર્ડની ફીમાં વધારો ઝીક્યો
સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, લોન લેવી હોય કે મોબાઈલ, ટુ-વ્હીલર લેવું હોય કે ફોર-વ્હીલર…દરેક માટે આધારકાર્ડ અત્યંત જરૂરી બની ગયું છે. બીજી બાજુ રાજકોટ મહાપાલિકા કચેરી તેમજ વોર્ડ ઓફિસ ખાતે દરરોજ મોટી સંખ્યામાં આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે અરજદારો આવતા હોય છે ત્યારે હવે આ સુધારા-વધારાની ફીમાં રૂા.10થી 25નો વધારો કરવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે જેનો અમલ 1 ઑક્ટોબરથી જ મહાપાલિકામાં પણ લાગુ પડી ગયો છે.
અત્યાર સુધી આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કે જે 10 વર્ષ જૂના આધારકાર્ડ માટે ફરજિયાત છે તેના માટે 100 રૂપિયા ફી વસૂલાતી હતી પરંતુ હવે આ ફી વધીને 125 રૂપિયા વસૂલવામાં આવશે. આ જ પ્રમાણે નામ-સરનામું બદલવા માટે 50ની જગ્યાએ 75, અન્ય પ્રકારના અપડેટ માટે 100ની જગ્યાએ 125, નવું સરનામું અપડેટ કરવા માટે 50થી જગ્યાએ 75, આ જ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તો 50થી જગ્યાએ 75 તેમજ આધારની કલર પ્રિન્ટ માટે 30ની જગ્યાએ 40 રૂપિયા ફી લેવામાં આવી રહી છે. જ્યારે 0થી પાંચ વર્ષના બાળક, પાંચ વર્ષથી વધુના બાળક માટે નવું આધાર કાર્ડ તેમજ 5થી 17 વર્ષની વય માટે બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
આ પણ વાંચો :રાજકોટના સાંગણવા ચોકને 8 કિન્નરોએ બાનમાં લીધો : પોલીસ ઉપર હુમલો, નો-એન્ટ્રીમાં જઇ રહેલી રિક્ષાને અટકાવતા જ મામલો બીચકયો
ફીમાં આ વધારો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને તેનો અમલ 1 ઑક્ટોબરથી જ મહાપાલિકામાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા જન્મ-મરણના દાખલાની નકલની ફી પાંચ રૂપિયામાંથી વધારી 50 રૂપિયા કરવામાં આવી હતી ત્યારે હવે કેન્દ્ર સરકારે અત્યંત મહત્ત્વના દસ્તાવેજ એવા આધારકાર્ડના સુધારા-વધારા સહિતની પ્રક્રિયા માટેની ફીમાં વધારો કરવા લોકોના ખીસ્સા ઉપર વધુ ભાર આવશે તે નિશ્ચિત છે.
