બાળકના જન્મની સાથે જ બનશે આધારકાર્ડ : ઓટો મોડમાં હશે ડેટા શેરીંગ, વિઝન 2047 કોમન પ્લેટફોર્મ થશે તૈયાર
દેશમાં આધાર કાર્ડને લઈને કોમન નેટવર્ક પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કવાયત ચાલી રહી છે. સરકાર આ યોજના ઉપર વિઝન -2047ને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. આ અંતર્ગત બાળકના જન્મની સાથે જ આધાર કાર્ડ, આંગણવાડી, સ્કુલ અને કોલેજ સુધી ફોલોઅપ સિસ્ટમ તૈયાર થશે.
આ સુત્રોના જણાવ્યા અનુસાર, સિસ્ટમમાં વિવિધ વિભાગોની ફ્લેગશીપ સ્કીમ માટે આધાર કાર્ડનો ડેટા ઓટો મોડ ઉપર શેર પણ થઈ શકશે. આમાં એ.આઈ.બેઝ્ડ ડેટા ચેકિંગ સિસ્ટમ પણ સામેલ હશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ કરવાથી ગેરરીતિ અને ડુપ્લીકેશનની માત્રામાં ઘટાડો આવશે. નવી વ્યવસ્થા પછી નકલી આધાર બનાવવાની ફરિયાદોથી પણ છુટકારો મળી જશે.
અત્યારે સ્કુલ શિક્ષણ અને મહિલા અને બાળ વિકાસ વિભાગે તાજેતરમાં જ આંગણવાડીઓમાં પ્રી સ્કૂલિંગ માટે અભિયાન શરુ કર્યું છે. શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, 19 લાખ જેટલા બાળકોના જન્મના રેકોર્ડ છે પણ તેના આધાર કાર્ડ નથી અને આંગણવાડીનો રેકોર્ડ પણ નથી.

બાળકને જન્મની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે : આ લાભ થશે
બાળકને જન્મની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે. તેના બર્થ રેકોર્ડની સાથે જ આધાર કાર્ડ બનશે અને તે માતા-પિતા સાથે લીંક થશે. આ બધો ડેટા ઓટો મોડમાં આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને સ્કુલના શિક્ષણ માટે શિક્ષણ વિભાગને મળશે. આ ડેટાના આધારે સ્કુલમાં પ્રવેશ મળશે. માધ્યમિક શિક્ષણમાં બાળકને એ જ આધાર નંબરથી અપાર કાર્ડ જનરેટ થશે.અપાર કાર્ડમાં શૈક્ષણિક રેકોર્ડ ડીજીટલ ફોરમેટમાં હશે.
આધાર ફોલોઅપ સિસ્ટમના બીજા તબક્કામાં બધો ડેટા ફ્લેગશીપ સ્કીમ ધરાવતા વિભાગો પાસે પહોંચી જશે. અત્યારે એક જ આધાર ઉપર અનેક સ્કીમનો લાભ લઈ લેવામાં આવે છે. અર્થાત એક જ આધાર મારફત એક જ જમીનનું વળતર, વીમો અને લોન લેવાના કિસ્સા સામે આવ્યા છે. આધાર કાર્ડને તમામ સ્કીમમાં ઓટો ડેટા શેરીંગ મોડમાં રાખવામાં આવશે. જેથી આધાર નંબરથી ખબર પડી જશે કે કઈ કઈ યોજનામાં કોણે કોણે લાભ લીધો છે.
નાગાલેન્ડ સૌથી અગ્રેસર
દેશના કેટલાક રાજ્યોમાં બાળકના જન્મની સાથે જ આધાર આપવાની વ્યવસ્થા છે. ઓગસ્ટ-2023માં સૌ પ્રથમ નાગાલેન્ડમાં આ વ્યવસ્થા શરુ કરવામાં આવી હતી. માત્ર બાળકનો ફોટો લઈને માતા પિતાણા આધાર સાથે લીંક કરવામાં આવે છે.
