રેસકોર્ષમાં વોકિંગ માટે નીકળેલા યુવકનું એસટી બસ ઠોકરે મોત
યુવક ડીવાઈડર ટપીને રસ્તો ઓળંગતો હતો ત્યારે સર્જાયો ગોઝારો અકસ્માત : પુત્રના મોતના સમાચાર સાંભળી પિતા બેશુદ્ધ થતા સારવારમાં ખસેડાયા
શહેરનાં રેલનગરમાં રહેતો 24 વર્ષનો યુવક સવારે વોકિંગ નીકળેલો હતો ત્યારે રેસકોર્ષ રીંગ રોડ પર ડીવાઈડર ટપીને રસ્તો ઓળંગવા જતો હતો ત્યારે એસટી ચાલકે ઠોકર મારતા તેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા બસના ચાલક સામે ગુનો નોંધાયો છે.
બનાવની વિગત મુજબ રેલ નગરમાં ખોડીયાર હોટેલ સામે મોમાઈ કૃપા મકાનમાં રહેતા નૈમીષ દિલીપભાઈ હિરાણી (ઉ.વ.-24) સવારનાં પોણા આંઠ વાગ્યાની આસપાસ પોતે કિશાનપરા ચોક થી જીલ્લા ગાર્ડન વચ્ચે આવેલ કનકાઈ હોટેલની સામે રેસ કોર્ષ બગીચા તરફથી ડીવાઈડર ટપીને રસ્તો ઓળંગવા જતો હતો.ત્યારે કિશાનપરા ચોક થી જીલ્લા ગાર્ડન તરફ જતી એસટી બસના ચાલકે યુવકને અડફેટે લીધો હતો. બનાવને પગલે ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં દમ તોડી દેતાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ બનાવમાં નૈમિષના પિતા દિલીપભાઈ શાંતીલાલ હિરાણીએ એસટી બસ નં. જીજે18-ઝેડ-8827 ના ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. મૃત્યુ પામનાર નૈમિષ બે ભાઈમાં નાનો હતો.અને તે સવારે આઠથી બે સુધી રૈયા રોડ કનૈયા ચોકમાં રામદેવ ડેરીમાં નોકરી કરતો હતો.અને બાદમાં બપોરે બે વાગ્યે છુટીને ત્યાંજ રહેતો હતો. ઉલ્લેખનીય છે કે,પુત્રના મોતના સમાચાર સાંભળતા જ તેના પિતાને આઘાત લાગ્યો હતો.અને તે બેભાન થઇ ઢળી પડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.