મહેસાણામાં આંબલિયાસણ બ્રિજ પર ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામનો યુવક પોતાની પત્ની સાથે આંબલિયાસણ તરફ જઈ રહ્યો હતો ત્યારે રેલ્વે ઓવરબ્રિજ પર દોરી ગળામાં વાગી જતાં કરુણ મોત થવા પામ્યું છે. આ અંગે મળી રહેલ વિગત અનુસાર મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામમાં રહેતા 25 વર્ષીય યુવક ઠાકોર મહેશજી પ્રતાપજીનું મોત નીપજ્યું છે.
દોરી ગળામાં આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત
મળતી વિગતો અનુસાર આ ઘટના મહેસાણાના બાલિયાસણ ગામની છે જ્યાં યુવક પોતાની પત્ની સાથે બાઈક પર આંબલિયાસણ સ્ટેશનના રેલવે ઓવરબ્રિજ પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન દોરી ગળામાં આવી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દોરીના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે ઠાકોર મહેશજી પ્રતાજી નામના યુવકનું મોત થયું છે. ઠાકોર પરિવારના એકના એક દિકરાનું મોત થયા પરિવામાં શોકનો માહોલ છવાયો છે.
અમદાવાદ-નડિયાદમાં પણ પતંગની દોરીથી બે લોકોના ગળા કપાયા
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ચાઇનીઝ પતંગની દોરીથી 27 વર્ષીય બાઇક સવારનું ગળું કપાતા તેનું મોત થયું હતું. આ પહેલા નડિયાદમાં પણ પતંગની દોરીથી એક યુવતીનું મોત થયું હતું. નડિયાદના વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ જતી એક્ટિવા ચાલક યુવતીનું ગળું પતંગની દોરીથી કપાઇ જતા મોત થયું હતું.