રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
રાજકોટની ભાગોળે માંડાડુંગર ગામે માનસરોવર પાર્ક-2માં રહેતા 26 વર્ષીય યુવકને પત્ની સાથે નવું ફ્રિઝ લેવા મુદ્દે ઝઘડો થયો હોવાથી લાગી આવતાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડાયા બાદ મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પહેલાં આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર વિસ્તારમાં આવેલા માનસરોવર પાર્ક-૨માં રહેતાં અને માંડા ડુંગર પાસે જ ચામુંડા પાન નામે દુકાન ધરાવતા નીતિન ઉર્ફે કલ્પેશ કેશુભાઈ ધોળકિયા નામના યુવકે દુકાનની બાજુમાં જ આવેલા ખાણ વિસ્તારમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નિપજ્યું હતું. નીતિન બે ભાઈમાં નાનો હોવાનું અને એક વર્ષે પહેલાં જ તેના પાયલ નામની યુવતી સાથે લગ્ન થયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
નીતિન અને પાયલ થોડા સમય પહેલાં જ માતા-પિતાથી અલગ થઈ માનસરોવર પાર્ક-૨માં રહેવા માટે આવ્યા હતા. જો કે સાથે જૂનું ફ્રિઝ લાવ્યા હોય નવું ફ્રિઝ લેવા બાબતે બન્ને વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવી નીતિને આ પગલું ભર્યું હતું.
