રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલને સેનામાં ફરજ બજાવતાં પતિનો ત્રાસ,પતિ સહિત 3 સામે ગુનો નોંધાયો
રાજકોટમાં હવે સામાન્ય જ નહીં બલકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં મહિલાઓને પણ પતિ દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને સેનામાં ફરજ બજાવતા પતિ તેમજ સાસરિયા દ્વારા અનહદ ત્રાસ અપાતો હોવાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે અંજલીબેન ખરાએ નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું કે તેમના લગ્ન 16 ઓગસ્ટ 2016ના સેનામાં આર્ટિલરી વિભાગમાં નોકરી કરતાં વિજય કુમાર ખરા સાથે થયા હતા.
લગ્ન બાદ અંજલીબેન તેમના પતિ સાથે જામજોધપુર રહેતા હતા. ત્રણ મહિના સુધી બધુ વ્યવસ્થિત ચાલ્યા બાદ સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરી “તું અમારા ઘરની કામવાળી છો’ સહિતના મેણા-ટોણા મારવામાં આવતા હતા. આ પછી પતિ દ્વારા પણ રજા ઉપર જ્યારે ઘેર આવે ત્યારે દારૂ પીને માર મારવામાં આવતો હતો. દરમિયાન 2017માં પોલીસ વિભાગમાં નોકરી મળી જતાં અંજલીબેન વડોદરા રહેવા માટે ચાલ્યા ગયા હતા.
આ પછી પતિના વર્તનમાં સુધારો જણાતાં ફરી બન્ને એક થઈ ગયા હતા. ત્યારબાદ વિજયના કહેવાથી અંજલિબેને પોતાની બદલી રાજકોટમાં કરાવી હતી. આ દરમિયાન તેમને ત્યાં જન્મ હતો. “જો કે પતિએ સુધરવાને બદલે બગડી જઈને ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને ઢોર માર મારતા હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. વળી, પતિ જ્યારે રાજકોટ આવે ત્યારે અન્ય સ્ત્રી સાથે જ સમય પસાર કરતો હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કર્યો હતો.
પતિ દ્વારા પત્નીને જાહેરમાં ગાળો આપવા તેમજ વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હોય આખરે કોર્ટનું શરણું લીધું હતું પરંતુ તેનાથી પણ વિજય કે તેના માતા-પિતાને કોઈ ફરક પડ્યો ન્હોતો. વિજયે અંજલિબેનના માતા કે જેઓ કોડીનાર રહે છે ત્યાં ધસી જઈને 20 લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો 50 હજાર રૂપિયા આપી અંજલીને મારી નખાવશે તેવી ધમકી આપી માથાકૂટ કરી હતી. એકંદરે પતિ વિજય, સસરા પરબતભાઈ ખરા અને સાસુ આલીબેન ખરા દ્વારા વારંવાર ત્રાસ અપાતો હોય આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.