રાજકોટના બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી ‘વ્હાઈટ ટોપિંગ રોડ’ બનશે : 15 વર્ષ સુધી નહીં તૂટવાની ગેરંટી !
રાજકોટમાં એકધારો વરસાદ વરસ્યો નથી આમ છતાં છૂટાછવાયા વરસાદને કારણે પણ રસ્તાઓની હાલત હાડપિંજર જેવી થઈ ગઈ હોવાથી 1 ઑક્ટોબરથી તેનું સમારકામ કરવાનો આદેશ અપાયો છે. બીજી બાજુ અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ હોય કે ન હોય રસ્તાની હાલત બદતર જ રહેતી હોય છે ત્યારે આવો જ એક વિસ્તાર બાલાજી હોલ પાસેનો પણ છે જ્યાં દસ દિવસ પહેલાં ખરાબ રસ્તાના વિરોધમાં લોકોએ રસ્તા પર સૂઈને વિરોધ નોંધાવવો પડતા આખરે તંત્રએ આ દિશામાં ધ્યાન આપી બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધીનો 900 મીટરના રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધું છે.
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે આમ તો આ રસ્તાને વ્હાઈટ ટોપિંગ રોડ નામ આપવામાં આવ્યું છે પરંતુ તેમાં કોંક્રિટનો વધારો ઉપયોગ કરવામાં આવશે કેમ કે આ વિસ્તાર પાણીવાળો વધુ હોવાથી ડામરના લેયરની જરૂરિયાત વધુ હોવાને કારણે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 2.77 કરોડના ખર્ચનો અંદાજ છે. આ રસ્તો 900 મીટર લાંબો અને 36 ફૂટ પહોળો હશે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 6 ઑક્ટોબર છે અને ત્યાં સુધીમાં એકથી વધુ એજન્સી ભાગ લેશે તો દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને મોકલી દેવામાં આવશે.
આ પહેલાં શહેરના ભાવનગર રોડ ઉપર પણ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. આ પ્રકારનો રસ્તો પંદર વર્ષ સુધી તૂટશે નહીં તેવી ગેરંટી પણ આપવામાં આવી રહી છે ! જ્યારે બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધીના 900 મીટરના રસ્તાનું કામ 12 મહિનામાં પૂર્ણ કરવાની શરત પણ મુકવામાં આવી છે.
અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડનો પ્રયોગ નિષ્ફળ
અમદાવાદ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ વ્હાઈટ ટોપિંગ રોડના નવા કામ હાથ પર ન લેવાનો નિર્ણય લીધો હતો. આ પાછળનું કારણ એ છે કે ત્યાં આ પ્રયોગ નિષ્ફળ નિવડ્યો હતો. ખાસ કરીને નવા વાડજમાં જોઈતારામ પટેલ હોલથી બલોલનગર સુધીનો 1.2 કિલોમીટરનો રસ્તો 7 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયો હતો. આ જ રીતે રાણીપ એસ.ટી.બસ સ્ટેન્ડથી રાણીપ પોલીસ મથક સુધીનો 1.6 કિલોમીટરનો રસ્તો 10 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયો હતો પરંતુ તેનું લોકાર્પણ થાય તે પહેલાં જ તૂટી ગયો હોવાનું ધ્યાન પર આવ્યું હતું !
