આ નંબર ઉપર મળશે આયુષ્યમાન કાર્ડની A TO Z માહિતી : સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો, કાર્ડ સંબંધિત ફરિયાદ પણ કરી શકાશે
સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો: કાર્ડ સંબંધિત ફરિયાદ પણ કરી શકાશે: ૨.૬૭ કરોડ કાર્ડધારકોને થશે ફાયદો
કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી શકે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાના અત્યારે કરોડો કાર્ડધારકો છે. જો કે અનેક કિસ્સાઓ એવા બન્યા છે જેમાં કાર્ડ સંબંધિત ફરિયાદોને કારણે નાછૂટકે લોકોએ પૈસા ચૂકવી સારવાર કરાવવા માટે મજબૂર બનવું પડ્યું છે સાથે સાથે કાર્ડને લઈને ગેરરીતિ થયાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર કાર્ડને લગતી તમામ પ્રકારની માહિતી ઉપરાંત ફરિયાદ પણ કરી શકાશે.
આ માટે રાજ્ય સરકાર દ્વારા ૦૭૯-૬૬૪૪-૦૧૦૪ નંબર જાહેર કરાયો છે જે ચોવીસ કલાક ચાલું રહેશે. આ નંબર ઉપર આયુષ્યમાન કાર્ડ અને તેના અંતર્ગત મળતી સેવાઓ, ફરિયાદો, સમસ્યાઓ સહિતનું નિરાકરણ મળી જશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટે્રક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસ.એમ.એસ.રજિસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે. આ હેલ્પલાઈનથી મળેલ ફરિયાદના નિવારણ માટે જિલ્લા-કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ઈન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને એસ.એમ.એસ. તેમજ ઈ-મેઈલ લિન્ક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. જરૂરી સંકલન કરી તેમને લિન્કમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડોક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમજ ફરિયાદી માટે પણ ડોક્યુમેન્ટ અથવા પૂરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હેલ્પલાઈન ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને ફોન કરીને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારે ૨.૬૭ કરોડ આયુષ્યમાન કાર્ડધારકો છે.
હેલ્પલાઈન પરથી કઈ કઈ માહિતી-સુવિધા મળશે
- યોજનાકીય માહિતી
- કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
- કાર્ડની બેલેન્સ
- એમ્પેનલ (કાર્ડ સાથે જોડાયેલી) હોસ્પિટલની માહિતી
- વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમજ પેકેજની માહિતી
- હોસ્પિટલમાં આરોગ્યમિત્ર તેમજ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
- ફરિયાદ નોંધણી, ટે્રકિંગ અને મોનિટરિંગ
- ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઈ-મેઈલ, એસ.એમ.એસ. દ્વારા પહોંચાડવા માટેની સુવિધા
- યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્ય સેવામાં ખામીઓ અંગે ફરિયાદ અને પ્રતિસાદ
- ફરિયાદોની વિગતોની ગુપ્તતા જળવાશે
- અધિકારી માટે જરૂરી ડોક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમજ ફરિયાદી માટે ડોક્યુમેન્ટ, પૂરાવા મોકલવાની સગવડ
- ફોલોઅપ અને રિપોર્ટિંગ મિકેનિઝમ