32 લાખની લૂંટમાં ફિલ્મી ડ્રામા જેવી સ્ટોરી! રૂ.2 લાખ કમિશન પેટે લેવાના હતા અને પાઘડીનો વળ છેડેની માફક આખો મામલો લૂંટ સુધી વણાયો
રાજકોટમાં રેસકોર્સ રોડ પર લવ ગાર્ડન પાસે દિનદહાડે બપોરના સમયે સમીરભાઈ પંડ્યા નામના કમિશન એજન્ટના 32 લાખ રૂપિયાના રોકડ ભરેલા થેલાની થયેલી લૂંટમાં હાલ તો ટ્રાફિક વોર્ડન સહિત ચાર આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે પરંતુ પ્ર.નગર પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડા, છે અને સમગ્ર ઘટનામાં ફિલ્મી ડ્રામા રૂપ સ્ટોરી ખૂલી છે. લૂંટમાં બે લાખ રૂપિયા કમિશનના અને અન્ય મામલે મિડિયેટર બનેલા સમીર પંડ્યાના રૂપિયાનો ઘડો લાડવો કરવા પરિચિત ધંધાર્થીએ જ ટીઆરબી અને સાળા સહિતના સાગરીતો સાથે મળીને લૂંટ ચલાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સાળા-બનેવી સહિત ચાર શખસોની પણ ધરપકડ કરી છે.
150 ફૂટ રિંગરોડ પરની શહીદ સુખદેવસિંહ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા એગ્રીકલ્ચર પ્રોડક્ટના કમિશન એજન્ટનો વેપારકરતાં સમીર રશ્મિકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50)ના ગત બુધવારે બપોરે 12-30ના અરસામાં રૂપિયા લૂંટાયા અને કલાકો વિત્યે રાત્રે બનાવ જાહેર થયો. પ્ર.નગર પોલીસે રાત્રે જ પ્ર.નગર પોલીસમાં જ ડ્રાઈવર તરીકે નોકરી કરતાં ટ્રાફિક વોર્ડન શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી (ઉ.વ.29) તેના સાગરીતો અતિક દોસ્તમહંમદભાઈ સુમરા (ઉ.વ.19), મહેશ ખોડાભાઈ વાઘેલા (ઉ.વ.19) અને દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ (ઉ.વ.20)ને સકંજામાં લઈ ધરપકડ કરી હતી. આવતીકાલ (તા.10) બપોર સુધીના ચારેયના રિમાન્ડ મળ્યા છે. જે તે સમયે 21 લાખની રોકડ પણ કબજે લેવાઈ હતી.
ગઈકાલે જ લૂંટ કે પ્રિ-પ્લાન કાંડમાં વિક્રમ નામનો શખસ કાનો ગાંઠિયાવાળો, નિશીતના નામ ગાજ્યા હતા. ત્રણેયે ટીઆરબી અને તેના સાગરીતો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટમાં તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીઆઈ ડામોર અને સ્ટાફે ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાર્થી નિશાંત અશોકભાઈ બોરસદીયા (ઉ.વ.24, રહે.એલીના એલીગન્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.301, સિલ્વર ગોલ્ડ સોસાયટી, નાનામૌવા રોડ), નિશાંતનો સાળો અમિત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટ (ઉ.વ.33, રહે.ખોડિયારનગર શેરી નં.4, સહકારનગર મેઈન રોડ ભાડાના મકાનમાં) તથા તુષાર ઉર્ફે વિક્રમ ભરતભાઈ કામાણી (રહે.કોઠા ભાડુકિયા ગામ, તા.કાલાવાડ, જે પ્લાન મુજબ રૂપિયાનો થેલો નિશાંતના કહેવાથી સમીરને આપવા કીયા કારમાં ગયો હતો) તેમજ તુષાર ઉર્ફે વિક્રમના કહેવાથી રૂપિયાનો થેલો લઈને સાથે જનારા કોટડાસાંગાણીના નવાગામનો વતની અને રાજકોટમાં બજરંગ રેસિડેન્સીમાં રહેતા ઉદય વિક્રમભાઈ ગરણિયા (ઉ.વ.20)ની ધરપકડ કરી છે.
તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે પણ હાથ બટાવ્યો, ગોબીના પડની માફક સ્ટોરીનો આરંભ
32 લાખની લૂંટ, લૂંટ ગુંજ્યા બાદ ચાલી રહેલી તપાસમાં ફિલ્મીઢબની સ્ટોરીનો આરંભ થયો જેમ ગોબી કે ડુંગળીમાં પડ ઉપર પડ નીકળ્યા કરે તેમ નવા ફણગા ફૂટ્યા. પોલીસની તપાસમાં ખૂલ્યા કે બતાવ્યા પ્રમાણે લૂંટનું કારણ, સ્ટોરીનો આરંભ એવી રીતે થયો કે ફરિયાદી સમીર પંડ્યા તેનો મિત્ર શૈલેષ મનસુખભાઈ દલસાણિયા, નિશાંત અશોકભાઈ બોરસદીયા તથા ભાવેશ મોલિયા ચારેય એગ્રીકલ્ચર પ્રોડક્ટ અનાજ, કઠોળ, કપાસનું અલગ-અલગ પેઢીમાં કમિશનથી લે-વેચનો ધંધો કરે છે અને એકબીજાના પરિચયમાં છે. ભાવેશ મોલિયાની સ્વાદવન ફૂડ નામની પેઢીના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ નિશાંત પટેલ કરતો હતો અને ભાવેશને કમિશન આપતો હતો. એકાઉન્ટ યુઝ કરવાના બે લાખ રૂપિયા જેવું કમિશન નિશાંત ભાવેશને આપતો ન હતો.
ત્રણેક માસ પૂર્વે પેઢીમાં 60 લાખ રૂપિયા જમા થયા અને…
ભાવેશની સ્વાદવન ફૂડ પેઢીના એકાઉન્ટમાં નિશાંતે કોઈ પેઢીના વેપારીના 60 લાખ રૂપિયા જમા થયા હતા. જેનો મેસેજ ભાવેશને મળતા ભાવેશની કમિશન ન મળ્યું હોવાથી દાઢ ડળકી હતી. તેણે શૈલેષને વાત કરી હતી. શૈલેષ દલસાણિયાને પણ નાણાંની જરૂરિયાત જેથી તેણે ભાવેશને કહ્યું કે, તારા ખાતામાં આવ્યા તે રૂપિયા ઉપાડી લઈએ.
ફરિયાદી સમીરનો રોલ શરૂ થયો
પોલીસે જાહેર કરેલા લૂંટના સમગ્ર ઘટનાક્રમમાં હવે ફરિયાદી સમીર પંડ્યાનો રોલ શરૂ થયો હતો. ભાવેશ તથા શૈલેષને સમીરે કહ્યું કે, મારી પાસે વડોદરાની પાર્ટી છે, તેના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી નાખો એ આપણને પરત આરટીજીએસ કરી દેશે. સમીરના કહેવાથી ભાવેશના એકાઉન્ટમાં વડોદરાના દિપેશ ઠક્કરની પેઢીમાં આરટીજીએસ કરાયું અને દિપેશે પાછા શૈલેષ પટેલના એકતા એન્ટરપ્રાઈઝમાં 60 લાખ રૂપિયા આરટીજીએસથી જમા કર્યા. જે રૂપિયા શૈલેષે લઈને ભાવેશને તેમાંથી 50 હજાર આપ્યા.
60 લાખ ઉપડી જતાં નિશાંત વિલન બન્યો !!
ભાવેશની પેઢીનું ખાતું નિશાંત વાપરતો હતો તે એકાઉન્ટમાંથી 60 લાખ ઉપડી જતાં નિશાંતે ભાવેશને 5ુછતા ભાવેશે પેમેન્ટ કરવાનું હોવાથી ચેક આપ્યો હતો અને નાણાં ઉપાડી લીધા છે. ભાવેશે નાણાં વિડ્રો કર્યા હોવાથી નિશાંતે શૈલેષને વાત કરી.
શૈલેષ પટેલે નિશાંતને તેની ઓફિસે બોલાવ્યો અને બે-ચાર દિવસમાં ભાવેશ નાણાં આપી દેશે કહી 35 લાખ બીજા દિવસે નિશાંતને આપ્યા અને 25 લાખ બેન્કમાં લોન મંજૂર થયે આપી દેશે કહી શૈલેષે નાણાં ન આપ્યા અને નિશાંત નાણાં કઢાવવાની વેતરણમાં હતો.
એવામાં ગત તા.7ના રોજ ફરિયાદના હીરો જેવા સમીરનો મિત્ર અશોકભાઈ ઝાલાને 41 લાખ રૂપિયા જરૂરિયાત હોય આપવાના હતા જેથી સમીરે શૈલેષના એક્તા એન્ટરપ્રાઈઝના બેન્ક એકાઉન્ટમાં જમા કર્યા હતા. જે નાણાં રોકડમાં લેવા સમીરે નિશાંતનો સંપર્ક કર્યો હતો. નિશાંતે સમીર પાસેથી 32 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો :લોન-હોસ્ટેલના ચોપાનિયા ચોટાડી બસ સ્ટોપને ગંદૂ કરનારા ત્રણ લોકોને દંડ : રાજકોટ મહાપાલિકા દ્વારા કરાઇ કાર્યવાહી
કહાનીમે ટ્વીસ્ટ લૂંટનો પ્લાન બનાવ્યો !
નિશાંતે 25 લાખ રૂપિયા શૈલેષ પટેલ પાસેથી લેવાના હોવાથી સાળો જોકર ગાંઠિયાવાળો અમિત ઉર્ફે કાના સુરેશભાઈ ઉનડકટ તથા તુષાર ઉર્ફે વિક્રમ કામાણી સાથે મળી કાવતરું રચ્યું હતું. સમીરને બોલાવી તેની પાસેથી રૂપિયા ભરેલો થેલો ગમે તે ભોગે લઈ લેવા માટે ત્રણેયે વાત કરી.
નિશાંતના સાળા અમિતે ટીઆરબી શાહબાજ મોટાણીને વાત કરી. નાણાંનો થેલો લઈ લેશું તો પણ રૂપિયાની કોઈ સાબીતી નહીં હોય અને ગભરાઈને સમીર પોલીસ પાસે જશે નહીં. પોલીસ ફરિયાદ થશે નહીં. રૂપિયા સીધી લીટીમાં આવી જશે.
શાહબાજ સાથે ત્રણ શખસો અતિક, મહેશ અને દાનીશ જોડાયા હતા અને 32 લાખની રોકડની લૂંટને અંજામ આપ્યો હતો. જેમ ફિલ્મમાં પોલીસ ફટાફટ વિલન કે લૂંટારૂઓને પકડી પાડે તેમ પ્ર.નગર પોલીસ સાથે મળી ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તે રીતે આરોપીઓ નાસી જાય એ પૂર્વે જ ત્વરીતપણે નિશાંત તેના સાળા અમિત અને તુષાર સાથે ઉદયને પણ દબોચી લઈને પ્ર.નગર પોલીસને સોંપ્યા હતા. એ પૂર્વે પ્ર.નગર પોલીસે રિમાન્ડ પર રહેલા ચાર આરોપી પૈકી મહેશના ઘરમાંથી 9.50 લાખ કબજે લેતા હવે લૂંટના 32 લાખની રકમમાં દોઢ લાખની જ ઘટ રહી છે.
દાલમે કુછ કાલા? સમીરે, શૈલેષે સીધા વીડ્રોન કર્યા, વડોદરા ટ્રાન્સફર કેમ કરાવ્યા ?
ભાવેશ અને શૈલેશ વચ્ચે સમીર મધ્યસ્થી બન્યો પરંતુ જો ભાવેશ અને શૈલેષ એકાઉન્ટમાંથી સીધા જ નાણાં વીડ્રો કરવા હતા તો સમીરની જરૂર જ શું પડે ? સમીરે કદાચ મદદ કરવી હતી તો પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે કે પોતે વીડ્રો કરીને આપી શકે. તો સીધા વડોદરાના ત્રાહિત દિપેશ ઠક્કરના એકાઉન્ટમાં આરટીજીએસ કરાવાયું અને ફરી દિપેશે શૈલેષ પટેલના એક્તા એન્ટરપ્રાઈઝની પેઢીમાં આરટીજીએસ કર્યું. સામાન્ય વ્યક્તિને પણ સમજાય જાય કે કોઈ ગડબડ કે શંકાસ્પદ વસ્તુ વાત ન હોય અને સીધા હાથ ઉછીના, ધંધાકીય વ્યવહારની લેતી-દેતી કરવાની હોય કે થતી હોય તો સીધી જે તે બે પાર્ટી વચ્ચે જ ડીલ થાય. ફરી-ફરીને એકના એકાઉન્ટમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં અને પછી વ્યવહારો થાય આવા ટ્રાન્ઝેક્શન્સની શું જરૂર હશે ? પોલીસને પણ આ બધી વાત ગળ ઉતરી ગઈ હશે કે ઉતારી લેવાઈ હશે ? કે પછી જે સોદા, ટ્રાન્ઝેક્શન્સ થયા તે ખરેખર સાચા હતા એટલે પોલીસે તપાસ કરી એ બધી સત્ય હશે ? બિલિંગ ઉલટ-સુલટ માટે ટ્રાન્સફર થયા હશે કે શું ? આવી પણ ચર્ચા છે.
એગ્રો પ્રોડક્ટના નામે પેઢી ખોલી, ખોલાવી, એકાઉન્ટ ભાડે આપવાની રમત કે શું ?
એગ્રો પ્રોડક્ટના નામે કમિશન એજન્ટોના લાખોના સોદા, બિલિંગ, ટ્રાન્ઝેક્શનો થાય છે અને બધા એકબીજા સાથે કોઈને કોઈ રીતે જાણે ગુંથાયેલા રહેતા હોય અથવા તો એગ્રો પ્રોડક્ટ કમિશન એજન્ટ નામે કોઈને કોઈના નામે પેઢી ખોલીને બિલિંગ ખેલ થતાં હશે ? કે પછી પેઢીના એકાઉન્ટો કમિશન પર ભાડે દેવાની રમત હશે ? આ જ ઘટનામાં ખુદ પોલીસે જ જાહેર કરેલી વાત મુજબ ભાવેશ તેની પેઢીનું બેન્ક એકાઉન્ટ નિશાંતને ઉપયોગ કરવા આપતો હતો. બદલામાં નિશાંત કમિશન આપતો હતો.
આ પણ વાંચો :દીપિકા પાદુકોણ બની દેશની પ્રથમ ‘મેન્ટલ હેલ્થ એમ્બેસેડર’: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરાઇ નિયુક્તિ
તૌફા (ટીપ) પ્ર.નગર તરફથી અપાયા હતા?
લૂંટના સમગ્ર ઘટનાક્રમમાં પ્ર.નગર પોલીસ મથક તો બહાર નીકળી ગયું છે. ફરિયાદમાં પણ કોઈ ઉલ્લેખ નથી થયો. જો કે એવી વાત છે કે ફરિયાદીને પહેલાં પોલીસ મથકે લઈ જવાયો હતો. ઘટનાને અંજામ આપવામાં આરોપીઓ પૈકીના કે અંદરનું જાણકારા કોઈએ પ્રથમ તો પોલીસના (તૌફા)ને કાનમાં કહ્યું હતું કે મોટું કામ ઉતરે તેમ છે. ત્યાંથી ટીપ અપાઈ હતી. જો આ વાત સત્ય હોય અને પોલીસના જ કોઈની સંડોવણી હોય તો ખરેખર ભક્ષક જેવી જ ભૂમિકા કહેવાય. છીંડે ચડ્યા ચોરની માફક બાહ્ય રીતે પકડાયા તે આરોપી અને અન્યોને ઉગારી લેવાયા કે શું ? માછલીઓ ફસાઈ અને મગર આબાદ ? જો કે ઓનપેપર આવું કાંઈ આવ્યું નથી માટે પોલીસે જે તપાસ કરી તે જ સત્ય ગણવી રહી. બાકી તો કોઈ પોલીસની સંડોવણી હશે ? એ ચર્ચા માનવી પડે.
