રાજકોટમાં તહેવાર ટાણે ફાયરિંગની ઘટનાથી ચકચાર: કરિયાણાના વેપારી પર નામચીન શખસોએ ભડાકા કરી હત્યાનો પ્રયાસ કર્યો
રંગીલા રાજકોટ વાસીઓ એક તરફ તહેવારોની મજા માણી રહ્યા છે તો બીજી તરફ સાતમની મોડી રાત્રે કોઠારીયા રોડ પર નીલમ પાર્કમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચારી મચી છે. નામચીન શખસોએ કરિયાણાના વેપારી પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ભક્તિનગર પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નીલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા અને ઘર પાસે KGN નામે કરિયાણાની દુકાન ધરાવતા શાહનવાઝ મુસ્તકભાઈ વેત્રણ (ઉ. વ.૨૦) પોતે તા.૧૫મી ઓગસ્ટના મોડી રાત્રે ઘર પાસે હતો ત્યારે મારા માસીયાઈ ભાઈ સોહેલ સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો ત્યારે વાહન પર પરિયો ગઢવી અને ભયલુ ગઢવી આવ્યા હતા.
ત્યારે ભયલુ ગઢવીએ ‘ લોડ કર જલ્દી કહેતા પરિયા ગઢવીએ પોતાની પાસે રહેલી પિસ્તોલને ત્રણેક વખત ખેંચીને યુવાન સામે તાકી આજે તો આને મારી જ નાખવો છે કહી ફાયરિંગ કરતા વેપારીને છાતીના ભાગે બે જગ્યાએ ઇજા પહોંચી હતી. ભડાકા થતાની સાથે શાહનવાઝના મિત્ર અફઝલ સહિતના ત્યાં આવી જતા પરિયા ગઢવી અને ભયલુ ગઢવી ત્યાંથી નાસી ગયા હતા. ફરિયાદીને ઇજા થતા તેને પ્રથમ ખાનગી ત્યાર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
આ ઘટનાનું કારણ જણાવતા યુવાને કહ્યું હતું કે, સાતેક મહિના પહેલા મારા મિત્ર સમીર મરઘાએ પુનિતનગરમાં પાણીના ટાંકા પાસે પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હોય તેનો ખાર રાખી પરિયા અને ભયલુંએ મારા પર ફાયરિંગ કર્યું હતું. જેથી ભક્તિનગર પોલિસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનાઓએ ઘટનાની નોંધ કરી કરિયાણાના વેપારીની ફરિયાદ પરથી નામચીન શખસો પ્રદીપસિંહ ઉર્ફે પરિયા ગઢવી અને ભયલુ ગઢવી સામે ફાયરિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી છે.
