કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો : ગાંધીધામ નજીકથી 120 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું
કચ્છના દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં માદક પદાર્થ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ જખૌ, માંડવી અને લખપતના દરિયાઈ વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓને માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યા બાદ આજે ગાંધીધામના ખારી રોહર નજીક નિર્જન દરિયાકાંઠેથી અંદાજે રૂ. 120 કરોડની કિંમતનો 12 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો આવતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
માદક પદાર્થનો જંગી જથ્થો મળી આવવા મામલે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું કે, ગતરાત્રીના રોજ ડ્રગ્સના જથ્થા અંગે ચોક્કસ બાતમી મળતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ખારીરોહર વિસ્તારમાં આવતા દરિયાકાંઠા વિસ્તારમાં તપાસ કરતા અંદાજે 12 કિલોના ડ્રગ્સનો જથ્થો 10 જેટલા પેકેટમાં મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો છે. આ જથ્થાની કિંમત રૂ. 120 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે આ ડ્રગ્સનો જથ્થો કોકેઇન હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલમાં પોલીસે આ માદક પદાર્થ કયો છે તે જાણવા માટે ડ્રગ્સના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે. કચ્છની અન્ય દરિયાઈ સીમાથી મળી આવતા ડ્રગ્સના પેકેટ જુદા હોય છે, જ્યારે ખારીરોહર પાસે મળી આવેલ પેકેટો જુદા છે. માદક પદાર્થના પેકેટ અહીં કેવી રીતે પહોંચ્યા અને કેટલા સમયથી અહીં પડ્યા છે, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મળી આવેલા ડ્રગ્સના 10 પેકેટ પૈકી 8 પેકેટ કાળા કલરના છે અને 2 પેકેટ સફેદ રંગના છે. તેના પર અંગ્રેજીમાં **BLOW UP લખેલું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જૂન મહિનાની શરૂઆતમાં જ એટીએસ દ્વારા આ વિસ્તારમાંથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આવી જ રીતે અગાઉ સપ્ટેમ્બર, 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી 800 કરોડની કિંમતના 80 પેકેટ હેરોઇનના મળી આવ્યા હતા. ત્યારે હવે ગાંધીધામ નજીકથી ડ્રગ્સ પકડાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
