રાજકોટમાં 13 વર્ષની બાળકીને ફસાવી નોનવેજના ધંધાર્થીએ આચર્યું દુષ્કર્મ : રાત્રે 3 વાગ્યે પોતાના ઘરે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો
છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં સગીરા પર ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ સહિતની સોશિયલ મીડિયા એપ્લીકેશન મારફતે સંબંધ કેળવી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આવી જ એક ઘટના શહેરના ભગવતીપરામાં રહેતી 13 વર્ષની બાળકી સાથે બની હતી જ્યાં નોનવેજના ધંધાર્થીએ ઈન્સ્ટાગ્રામ થકી ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી હતી.
આ અંગે બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 21 ઓગસ્ટે રાત્રે પરિવારજનો સૂઈ ગયા હતા ત્યારે પતિને પાણીની તરસ લાગતા તેઓએ લાઈટ ચાલુ કરતા જ બાળકી જોવા મળી ન્હોતી. આ પછી ઠેર-ઠેર તપાસ કરતા બાળકીનો ક્યાંય પણ પતો લાગ્યો ન્હોતો. ત્યારબાદ બીજા દિવસે બી-ડિવિઝન પોલીસ મથક ખાતેથી ફોન આવ્યો હતો કે તેમની પુત્રી ત્યાં છે.
પોલીસ મથકે જઈ બાળકીને પૂછતાં તેણે કહ્યું કે અગાઉ આ વિસ્તારમાં નોનવેજની દુકાન ધરાવતા ખાલીદ ખાટકી સાથે છ મહિનાથી પ્રેમમા હતી. ખાલીદે પણ તે બાળકીને પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. બન્ને ઈન્સ્ટાગ્રામ મારફતે વાતચીત કરતા હતા અને ખાલીદના ઘેર કોઈ ન હોય ત્યારે મળતા હતા. આ દરમિયાન ખાલીદે બાળકી સાથે વારંવાર શરીરસંબંધ પણ બાંધ્યો હતો. ૨૨ ઓગસ્ટે રાત્રે ત્રણ વાગ્યે ખાલીદે તેના ઘેર લઈ જઈ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
