કચ્છની કલગીમાં નવું પીંછું: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને મળ્યો આંતરરાષ્ટ્રીય રામસર સાઇટનો દરજ્જો,પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
કચ્છના ગૌરવમાં વધારો થયો છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ‘છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય’ને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે છારી-ઢંઢ ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ માન્યતા પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધનના ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખને વધુ મજબૂત બનાવે છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, રામસર દરજ્જાથી છારી-ઢંઢનું દીર્ઘકાળીન સંરક્ષણ સુનિશ્ચિત થશે અને પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન મજબૂત બનશે. સાથે જ, દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. આ માન્યતા રાજ્યના પર્યાવરણીય પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત દેશમાં વેટલેન્ડ સંરક્ષણમાં અગ્રેસર છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના અંદાજે 21 ટકા હિસ્સો ગુજરાતમાં આવેલો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. રાજ્યમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા રામસર સાઇટ તરીકે માન્યતા ધરાવે છે અને હવે છારી-ઢંઢના ઉમેરાથી આ શ્રેણી વધુ મજબૂત બની છે.

છારી-ઢંઢ વેટલેન્ડ અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 250થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. શિયાળામાં સાઇબેરિયા, યુરોપ અને મધ્ય એશિયાથી હજારો પ્રવાસી પક્ષીઓ અહીં આવે છે. આ વિસ્તાર માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ ચિંકારા, રણ લોમડી, કેરેકલ અને વરુ જેવા વન્યજીવો માટે પણ મહત્વપૂર્ણ આશ્રયસ્થાન છે.

રામસર સાઇટનો દરજ્જો મળવાથી કચ્છમાં ઇકો-ટૂરિઝમ, સ્થાનિક રોજગારી, પર્યાવરણ જાગૃતિ અને સમુદાયની સહભાગિતામાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વૈવિધ્યતા જાળવવા પ્રતિબદ્ધ છે, જેનું ઉત્તમ ઉદાહરણ છારી-ઢંઢને મળેલી આ આંતરરાષ્ટ્રીય માન્યતા છે.

નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ
કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :Union Budget 2026: કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર થવાની શક્યતા: સામાન્ય લોકો માટે TDS સરળ બનાવી શકાય છે
ગુજરાતની અન્ય 4 રામસર સાઇટ
· નળસરોવર પક્ષી અભયારણ્ય – અમદાવાદ અને સુરેણદ્રનગર જિલ્લાઓમાં આવેલું, ગુજરાતનું સૌથી જાણીતું વેટલેન્ડ
· થોળ લેક પક્ષી અભયારણ્ય – મહેસાણા જિલ્લાની નજીક આવેલું મહત્વપૂર્ણ પ્રવાસી પક્ષી કેન્દ્ર
· ખીજડીયા પક્ષી અભયારણ્ય – જામનગર જિલ્લામાં આવેલું, દરિયાઈ અને મીઠાં પાણીનું અનોખું વેટલેન્ડ
· વઢવાણા તળાવ (વઢવાણા વેટલેન્ડ) – વડોદરા જિલ્લામાં આવેલું મહત્વપૂર્ણ પક્ષી આશ્રયસ્થાન
