એક એવી હત્યા કે જેની 32 વર્ષ બાદ જર્જરીત કાગળો પરથી ધુળ ખંખેરાઈ ‘ને ભેદ ખુલ્યો, વાંચો મર્ડર મિસ્ટ્રી
પોલીસ ધારે તો શું ન કરી શકે. પાતાળમાં છુપાયા હોય તો પણ શોધી કાઢે. એક એવી હત્યા કે જ્યારે ન્હોતા મોબાઇલ કે ન્હોતા સીસીટીવી કે આવા કોઈ સંપર્ક અથવા મહત્વપૂર્ણ કડીરૂપ સાધનો. 32 વર્ષ પૂર્વે એક મહિલાની તેની સાથે જ રહેતા યુવકે હત્યા કરી અને 32-32 વર્ષથી ભેદ હતો અકબંધ. હત્યાના બનાવના જર્જરીત થઈ ગયેલા કાગળો પરથી ધુળ ખંખેરાઈ. પોલીસ સક્રીય બની અને સાવ બેખૌફ, બેફીકર કે હવે તો કોઈ ડર નથી તેવી રીતે જીવતા આરોપીને વલસાડ પોલીસે ત્રણ માસની સતત દોડધામના અંતે ઉત્તરપ્રદેશના ધીરપુરમાંથી શોધી લાવી અને ઉકેલાયો હત્યાનો ભેદ.

વાત છે તા.9/8/1994ની રાતની. વલસાડના આઝાદ રોડ પરના ધનમાઈ એપાર્ટમેન્ટમાં રહેતા સિક્યુરીટી ગાર્ડ મલખાનસિંગ ભૂરાસિંગ કછુવાહએ તેની સાથે જ રહેતી ખરેગામની સ્ત્રી મિત્ર સુમિત્રાની ગળુ દબાવીને હત્યા કરી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જે-તે સમયે પોલીસે આરોપીને શોધવા પ્રયાસો કર્યા પરંતુ કોઇ કડી ન મળી અને સતત 32 વર્ષ સુધી પોલીસના હાથ હેઠા પડતા રહ્યા. છેલ્લા ત્રણ માસથી વલસાડ પોલીસ દ્વારા વર્ષોથી અનડિટેક્ટ કેસ ઉકેલવાની રેંજ આઈ.જી. પ્રેમવીરસિંહની સુચના વલસાડ એસ.પી. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ ચાલી રહી છે. એસ.પી. વાઘેલાની નજરે ૩૨ વર્ષ પૂર્વેનું અનડિટેકટ મર્ડર પણ આવ્યું. જર્જરીત ફાઈલ (કાગળો) પરથી ધુળ ખંખેરાઈ હતી. ટીમને દોડતી કરાઈ હતી. 32 વર્ષથી આરોપી અંગે કોઈ ઠોંસ માહિતી ન્હોતી. માત્ર ઉત્તરપ્રદેશના ધીરપુર તરફનો હોવાની માહિતી મળી હતી. પોલીસે ત્યાં જઈને તપાસ કરી પરંતુ આરોપી મલખાન ક્યાં છે એ ભાળ ન મળી.

અસંખ્ય રિક્ષા ચાલકોને તપાસ્યા અને અંતે તણખલારૂપ એક કડી મળી
જો કે મહેનત એળે ન જાય તે કહેવાત પ્રમાણે ત્યાંથી પોલીસને એવી માહિતી મળી કે, સુરત, ભરૂચમાં મલખાનનો કોઈ પરિચિત રહે છે. રિક્ષા ચાલક જાણે છે. પોલીસે આમ તો હવામાં તીર મારવા રૂપ જ કામગીરી કરી હતી છતાં એસ.પી. વાઘેલાના સતત માર્ગદર્શન અને જરૂરી સવલતો પુરી પડાતી રહી. પોલીસે વલસાડ, સુરત, ભરૂચમાં જી.આઈ.ડી.સી., પરપ્રાંતિય વસાહતો તલાસી. અસંખ્ય રિક્ષા ચાલકોને તપાસ્યા અને અંતે તણખલારૂપ એક કડી મળી.
આ પણ વાંચો : રાજકોટ-જેતપુર હાઈવેની અધૂરી કામગીરી સામે આક્રોશ : જીગ્નેશ મેવાણીએ કહ્યું ભંગાર જેતપુર-રાજકોટ હાઇવેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ
પોલીસની ટીમ ફરી યુ.પી.ના ફતેહપુર જીલ્લામાં પહોંચી. ત્યાં બસંત ખેરા, બબાઈ, ગૌરા સિજોલી જેવા અનેક ગામો ખૂંઘા. અંતે ધીરપુર ગામ બહાર એક ખોલી મળી તે પોલીસે ખટખટાવતા જ 32 વર્ષ પૂર્વે સાથી મહિલાની હત્યા કરી બેખોફ રીતે રહેતો આરોપી મલખાન પોલીસને હાથ લાગ્યો હતો. પી.આઈ. ડી.ડી.પરમાર, પી.એસ.આઈ. ડી.એસ.પટેલ, સુનિલભાઈ, પ્રવિણસિંહ, મહેન્દ્રસિંહ સહિતનાએ ભેદ ઉકેલ્યો હતો. મલખાને સાથી મિત્ર મહિલા અવાર નવાર નાણા માગતી હોય અને અન્ય સાથે પણ મહિલાને સંબંધ હોય તેવી આશંકા ઉપજતાં ગળુ દબાવી હત્યા કરીને ભાગી ગયો હતો.
એ દુકાન આજે પણ વેચાઇ નથી અને લોકો ત્યાં જતા ડરે છે
ધનમાઈ એપાર્ટમેન્ટમાં તમામ દુકાનો, ફલેટસ વેચાઈ ચુકેલા છે. એ બિલ્ડીંગ હવે તો જુનુ પણ થઈ ગયું છે. આજે પણ એ એપાર્ટમેન્ટમાં જે દુકાનની અંદર મહિલાની હત્યા થઈ હતી એ દુકાન વેચાઈ નથી. કોઈ લેવાલ થયું નથી. ત્યાં જતાં પણ લોકો ડર અનુભવે છે તેવું એસ.પી. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.
