50 કરોડનો વીમો ધરાવતી KBZ કંપનીમાં લાગી’તી ભયંકર આગ, ફેક્ટરી બળીને ખાખ : 70થી વધુ કર્મીઓનો બચાવ
- ગોપાલ નમકિન બાદ નાકરાવાડી ગામે આવેલી કેબીઝેડ કંપની સળગી ઉઠી
- સવારે ૯:૨૫ વાગ્યે ફોન આવતાં જ ફાયર ફાઈટરો દોડ્યા બાદ પાણી-ફોમનો મારો ચલાવી નવ કલાકે આગ કાબૂમાં લીધી
- રાજકોટ ઉપરાંત કાલાવડ, ગોંડલ સહિતના સ્થળેથી બંબા બોલાવી ૫૦ જવાનોએ આગ ઠારી
- ત્રણ શેડમાં ફેલાયેલી આખી ફેક્ટરી આગની ઝપટે ચડી: ૭૦થી વધુ કર્મીઓનો બચાવ
- બોયલર, ઓઈલ ટેન્કને તાકિદે બચાવી લેવાતાં મોટો બ્લાસ્ટ થતાં રહી ગયો
ત્રણ મહિના પહેલાં એટલે કે ૧૧ ડિસેમ્બરે મેટોડા જીઆઈડીસીમાં આવેલા ગોપાલ નમકિનમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં હવે કૂવાડવા હાઈ-વે પર નાકરાવાડી ગામ નજીક આવેલી કેબીઝેડ નામની નમકિન બનાવતી ફેક્ટરી સળગી ઉઠતાં તંત્રમાં દોડધામ થઈ પડી હતી. એકંદરે લાગેલી આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં ત્રણ શેડમાં ફેલાયેલી ફેક્ટરી આગમાં ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા બોયલર, ઓઈલ ટેન્ક સહિતને તાકિદે બચાવી લેવામાં આવ્યા હોવાથી મોટો બ્લાસ્ટ થતાં રહી ગયો હતો સાથે સાથે ૭૦થી વધુ કર્મીઓનો બચાવ પણ થયો હતો.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૨૦૧૯થી શરૂ થયેલા કેબીઝેડ નમકિનમાં અલગ-અલગ પ્રકારના નમકિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને દરરોજ લાખો રૂપિયાનો માલ અહીંથી તૈયાર થઈને સપ્લાય કરવામાં આવતો હતો. દરમિયાન સોમવારે સવારે ૯:૨૫ વાગ્યે ફાયરબ્રિગેડને ફોન આવ્યો કે ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફોન આવતાં જ તુરંત જ રાજકોટથી ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોતજોતામાં આગ પ્રસરી જતાં કાલાવડ, ગોંડલ સહિતના સ્થળેથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા.

૫૦થી વધુ ફાયર જવાન અને આઠ ફાયર ફાઈટરે સવારે ૯:૨૫ વાગ્યાથી લઈ સાંજે ૬:૧૫ વાગ્યા સુધીમાં ફોમ-પાણીનો મારો ચલાવી નવ કલાકે આગ તો કાબૂમાં લઈ લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય શેડ સળગી ગયા હતા. સદ્નસીબે બોયલર અને ઓઈલ ટેન્કને બચાવી લેવાઈ હોવાથી બ્લાસ્ટ થયો ન્હોતો. જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં ૭૦થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા હતા જેમને સૌથી પહેલાં બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ આ આગ કયા કારણોસર લાગી, કેટલું નુકસાન થયું છે તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ આગને કારણે મોટાપાયે નુકસાન ગયાનો અંદાજ સૂત્રોએ વ્યક્ત કર્યો હતો.

ફેક્ટરીનો ૫૦ કરોડનો વીમો છે…
કેબીઝેડ નમકિનના માલિક અશોકસિંહ ઝાલાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ફેક્ટરી ૨૦૧૯થી કાર્યરત છે. આ ફેક્ટરી ત્રણ એકર જમીન પર ફેલાયેલી છે અને તેમાં ૨૪ કલાક નમકિનનું ઉત્પાદન ચાલું રહે છે. અહીં ૧૧૦ લોકોનો સ્ટાફ શિફ્ટ પ્રમાણે નોકરી કરે છે. સદ્ભાગ્યે આગને કારણે કોઈને નુકસાન થયું નથી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેક્ટરીનો ૫૦ કરોડ રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. આખરે આગ કયા કારણોસર લાગી તે તેમના ધ્યાન ઉપર ન હોવાનું અને હાલ તેઓ મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે કેબીઝેડ નમકિનની જાહેરાતમાં અજય દેવગણ પણ જોવા મળ્યો છે.
