રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં છીંડા? પેસેન્જર રેઢા ઇમરજન્સી ગેટથી એપ્રન સુધી પહોંચ્યો, જવાબદાર કોણ?
`નામ બડે દર્શન ખોટે’ની માફક રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોઈને કોઈ બાબતે વિવાદ કે ચર્ચાના ચકડોળે રહે છે. સલામતીના નામે થતાં લાખો, કરોડોના ખર્ચ છતાં એરપોર્ટ સિક્યુરિટીમાં પોલમપોલ કે છીંડા હોય તેવી અતિ ચોંકાવનારી ઘટના બે દિવસ પૂર્વે બની છે. મુંબઈની ફ્લાઈટમાં ફ્લાય કરનાર મુસાફર બોર્ડિંગ, સિક્યુરિટી ચેક બાદ અચાનક જ ગાયબ થઈ જતાં સૌના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા. પેસેન્જર ફ્લાઈટ-વેના બદલે ઈમરજન્સી ગેટથી એપ્રેન એરિયામાં થઈ ફરી અરાઈવલમાં પહોંચી ગયો હતો. આ તો પેસેન્જર છે અજાણતા કે કોઈ રીતે ચાલ્યો ગયો હોઈ શકે પરંતુ જો પેસેન્જરનો સ્વાંગ રચીને જો આવી રીતે કોઈ ટેરેરીસ્ટ કે એરપોર્ટની ગતિવિધિ જાણવા આવેલો માણસ ઘૂસી જાય તો જવાબદાર કોણ ? હાલ તો સિક્યુરિટી લેપ્સની આવી ગંભીર ઘટનામાં પણ અંદર ખાને બધું સંકેલી લેવા કે રફેદફે કરી નાખવા એરપોર્ટ ઓથોરિટીથી લઈ સીઆઈએસએફ અને એરલાઈન્સ દ્વારા `મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ’ જેવા પ્રયાસો ચાલી રહ્યાનું જાણવા મળે છે. ખરેખર ઉચ્ચસ્તરીય તપાસ થાય તો ખરા જવાબદાર કોણ ? તે બહાર આવી શકે અને સલામતીમાં આંખ આડા કાન કરનારાઓ સામે આકરાં પગલાં તોડાવા જોઈએ.
ગત મંગળવારે મુંબઈ ઉડાન ભરનારી પેસેન્જર્સ પૈકી એક પુરૂષ પેસેન્જર બોર્ડિંગ અને સિક્યુરિટી ચેક બાદ ફ્લાઈટ સુધી પહોંચ્યો ન હતો. બોર્ડિંગ, સિક્યુરિટી સ્ટાફ દ્વારા સિક્યુરિટી ચેક ઈન બાદ પેસેન્જર ગયો ક્યાં ? જેને લઈને એરપોર્ટના સ્ટાફમાં દોડધામ થઈ પડી હતી. શોધખોળ કરાઈ.

એ દરમિયાન ગુમ મુસાફર પાછો અરાઈવલ બિલ્ડિંગમાંથી જ મળી આવ્યો હતો. બેગ સમેત સીઆઈએસએફ દ્વારા મુસાફરનું ચેકિંગ કરાયું અને પૂછપરછ કરાઈ હતી. જો કે એરપોર્ટ ઓથોરિટી, એરલાઈન કે સિક્યુરિટી માટે સૌથી વધુ જવાબદાર એવા સીઆઈએસએફને કંઈ અજુગતું ન લાગતા કે દેખાતા મુસાફરને મુક્ત કરી દેવાયો હતો. જાણવા મળ્યા મુજબ એક તબક્કે તો એરપોર્ટ અધિકારીઓ, સ્ટાફને પણ પૂછતાછમાં મુસીબત થઈ પડી હતી. કારણ કે સાઉથ ઈન્ડિયન પેસેન્જર હિન્દી કે ઇંગ્લિશ એક પણ લેંગ્વેજ જાણતો ન હતો. એવું તારણ લગાવી દેવાયું હતું કે કદાચ માનસિક અસ્વસ્થ હોય અથવા તો રાજકોટ એરપોર્ટથી અજાણ હોય ભૂલથી ફ્લાઈટ વે એરોબ્રીજ ક્યુબ એરિયાના બદલે એરપોર્ટ બિલ્ડિંગના ઈમરજન્સી ગેટ તરફ ચાલ્યો ગયો હશે અને નીચે એપ્રેન એરિયામાં પહોંચી ગયો ત્યાંથી ફરી અરાઈવલ બિલ્ડિંગમાં આવી ગયો. જે રીતે મુસાફર આવ્યો અને ફ્લાઈટના વેમાં જવાને બદલે અન્યત્ર નીકળી ગયો એ ખરેખર સલામતીના છીંડા જ કહેવાય? હાલ તો આ મુદ્દો અંદરો અંદર એરપોર્ટમાં ગાજી રહ્યો છે. ભીનુ સંકેલાશે કે અથવા કસુ સલામતીમાં ખામી રાખનારા એરપોર્ટના બેજવાબદારો સામે પગલાં લેવાશે? કે પછી પગલાંના નામે કોઈને બલીના બકરાં બનાવી દેવાશે ? કે પછી શું બન્યું જ નથી એવા ગુણગાન ગવાશે ? શું થશે તે જોવું રહ્યું.
સલામતી સ્ટાફને ધ્યાને ન પડ્યું તો શું CCTV મોનિટરિંગ પણ નહીં થતું હોય?
ખરેખર આ વ્યક્તિ તો મુસાફર નીકળ્યો. આમ છતાં જે રીતે ઈમરજન્સી ગેટમાંથી એપ્રેન સુધી પહોંચ્યો ત્યાંથી ફરી પાછો નીચે ઉતરી અરાઈવલ એરિયા બિલ્ડિંગમાં આવી ગયો. બિલ્ડિંગમાં સીઆઈએસએફ સિક્યુરિટી સ્ટાફ, ઓથોરિટી સ્ટાફ કે કોઈને નજરે પડ્યું નહીં હોય ? તો શું સીસીટીવી પર પણ મોનિટરિંગ નહીં થતું હોય ? મુસાફર જે રીતે આરામથી નીકળી ગયો, ટહેલ્યો હીરાસર એરપોર્ટ હરવા ફરવાનું સ્થળ કે રેઢુપડ સમજાયું હશે ? ઈમરજન્સી ગેટ બંધ જ રહેતો હોય અને ત્યાંથી કોઇપણ સ્ટાફને આવવા-જવાની પણ પાબંધી હોય છે. આપાતકાલીન સમયે જ આ ગેટનો ઉપયોગ થાય તો આ ગેટ ખુલ્લો કેમ હતો ? અને ઓપન હતો તો ત્યાં સીઆઇએસએફનો કે કોઈ સલામતી સ્ટાફ કેમ ન્હોતો ? આ બધા ઉત્તરો તો એરપોર્ટ ઓથોરિટી, સીઆઈએસએફ પાસે જ હશે. અગાઉ જૂના એરપોર્ટમાં રિક્ષાચાલક પણ અંદર સુધી ઘૂસી આવ્યો હતો. આવું બધું બનતું હોવાથી સલામતીમાં પોલ કે ક્યાંક કમી તો માની શકાય.

ગંભીર ઘટના બાદ પણ એક બીજા પર ખો..ખો..!!!
રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં અવારનવાર ખામી કે ભુલ સર્જાવાની ઘટના સામે આવે છે.બે દિવસ પહેલાં એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડીંગમાં એક પેસેન્જર બોિંર્ડગ અને સિક્યુરિટી ચેક કરાવી ભૂલથી પ્લેનમાં જવાનાં બદલે ઇમરજન્સી ગેઇટ ખોલી સીધો એપ્રેન સુધી પહોંચી ગયા પછી અરાઈવલમાં પણ આવી ગયો છતાં સુરક્ષા કર્મીઓ આ વાતથી આશ્ચર્યજનક રીતે “અજાણ” હતાં..!!! જો કે આ ઘટના સામે આવ્યા બાદ ગંભીરતાથી પગલાં લેવાના બદલે એકબીજા પર ખો…ખો…કરી રહ્યાં છે.
આ પણ વાંચો :રાજકોટમાં છ વોર્ડના રસ્તા નવા બનશે : મુંજકા, મોટામવા પહેલીવાર ભાળશે ‘માખણ’ જેવો રોડ
મને આ ઘટના અંગે કોઇએ જાણ નથી કરીઃ એરપોર્ટ ડાયરેક્ટર
બે દિવસ પૂર્વે સુરક્ષામાં ચૂક થઈ છે,ત્યારે આ ઘટનાથી એરપોર્ટ ડાયરેક્ટર ખુદ “અજાણ” હોવાનું જણાવ્યું હતું.”વોઇસ ઓફ ડે”દ્વારા એરપોર્ટ ડાયરેક્ટરને આ અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું કે,મને કોઈએ આ ઘટના અંગે જાણ કરી નથી.પેસેન્જર ઇમરજન્સી ગેટ ખોલી બહાર આવી અરાઈવલ સુધી આવી ગયા પછી આ મામલો દિલ્હી બ્યુરો સિવિલ ઓફ સિક્યુરિટી સુધી પહોંચી ગયો છે પણ એરપોર્ટ ઓથોરિટીનાં જવાબદાર અધિકાર આ વાતથી અજાણ છે..!!!!
આ પણ વાંચો :રાજકોટ મનપામાં TPOની જગ્યા ફરી ખાલી પડી: ઈન્ચાર્જ TPOની સુમરાની બદલીઃ ‘રૂડા’ના બે અધિકારી બદલાયા
ઇમરજન્સી ગેઇટ ખુલ્યા તો એલાર્મ કેમ ન વાગ્યો..?
રાજકોટનાં જુના એરપોર્ટ પર રીક્ષા દરવાજો તોડી રન વે સુધી પહોંચી ગઇ હતી ત્યારે પણ સુરક્ષાનાં ખુલ્લેઆમ લીરેલીરા ઉડયા હતાં.જ્યારે બે દિવસ પૂર્વે પેસેન્જર ઇમરજન્સી ગેઇટ સુધી પહોંચી તો ગયો ને ગેઇટ પણ ખોલી નીચે ઉતરી ગયા તો ય એલાર્મ કેમ ન વાગ્યો…? સામાન્ય રીતે બીજા એરપોર્ટ પર ઇમરજન્સી ગેઇટ પાસે એલાર્મ વાગે છે.તો શું રાજકોટ એરપોર્ટ પર સિક્યુરિટી ઇકવિપમેન્ટની સુવિધા નથી..? કે સાધનો કામ નથી કરતાં..? તેવા સવાલો ઉભા થયાં છે.
