થોડું ડગીને…. થોડું ચગીને…. આજે મારે આભને આંબવું છે….રાજકોટની આભની અટારીએ જામશે આજે પતંગ યુદ્ધ
પતંગ-દોરાની બજારમાં 20થી 25 ટકાના વધારાએ પતંગ રસિયાઓના ખિસ્સા ઉપર કર્યો જોરજુલમ
રાજકોટ : હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. આજથી સૂર્ય ધન રાશિ છોડી મકરરાશિમાં પ્રવેશે છે જેથી સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. જો કે, આજના સમયમાં મકરસંક્રાંતિનો પર્વ થોડો દાનપુણ્યનો અને બાકી પતંગ ચગાવવા અને મોજશોખ કરવાનો બની ગયો છે ત્યારે રાજકોટની આભની અટારીએ સવારથી સાંજ સુધી પતંગયુદ્ધ જમવાની સાથે ઉંધીયા મહેફિલો પણ જમાવટ કરશે.
મકર સંક્રાતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. . આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને મકર સંક્રાતિ કહેવાય છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો આકાશ પતંગોની રંગોળીથી કલરફુલ બની જશે. આમ તો મકરસંક્રાંતિનો સંદેશ અનોખો અને સમજવા જેવો છે. પરંતુ આધુનિક યુગમાં પતંગ દોરા જેવા બની ગયેલા સંબંધો ગમે ત્યારે કપાઈ જાય છે અને આ પર્વ મોજ શોખનું પર્વ બની ગયું છે. સાચા અર્થમાં આ પર્વ એવું સમજાવે છે કે ના ટુટીએ ના ફાટીએ તેની કાળજી રાખીએ, ક્યારેક ખેંચતાણમાં નમી જઈએ, ક્યારેક દૂર દૂર નીકળી જઈએ, થોડું ચગવાનું, થોડું ડગવાનું, થોડા ગોથા ખાઈને જમીન ઉપર ઉતરવાનું અને એક મેકને સાથે લઈ આકાશની ઊંચાઈને આવવાનો આ તહેવાર છે.

આજે પતંગોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. આજે સવારથી જ લોકો અગાસી અને ધાબા ઉપર ચડીને પતંગ ઉડાવવાની મોજ લુટશે. આખો દિવસ કાઇપો છે કાઈપો છે ના.. અવાજો અને ઘોંઘાટિયા ડીજે સહિતની મ્યુઝિક સિસ્ટમ તો ક્યાંક ઢોલ નગારા અને પપૂડાથી શહેર ગુંજતું રહેશે. સાથે જ આકાશ જાણે લાખો પતંગોનું ઓઢણું ઓઢું હોય તેવું દ્રશ્ય ખડું થશે. જો કે, હાઇકોર્ટની કડક સુચના બાદ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરા અને તુકલ ઉપર ઘાસ બોલાવી છે. છતાં પણ છાના ખૂણે પાકા માંજેલા દોરાઓનું ધૂમ વેચાણ થયું છે. રાજકોટની સદર બજારમાં સોમવારે સવારથી જ પતંગ રસીયાઓ દ્વારા પતંગ દોરાની ચિકાર ખરીદી કરવા ઊમટી પડ્યા હતા આને મોડીરાત્રી સુધી આ વિસ્તારમાં પગ મુકવાની પણ જગ્યા ન હતી.
પતંગ દોરાના ભાવમાં 20થી 25 ટકા વધારો
ગત વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ અને દોરાની બજારમાં 20થી 25 ટકાનો ભાવ વધારો થતા મધ્યમ પરિવારો માટે આ તહેવાર ઉજવણી સાથે મોંઘવારીની પળોજણ વાળો પણ બની ગયો હતો. નાના બાળકો માટે ફરજીયાત પતંગો ખરીદ્યા વગર પરિવારોને છૂટકો ન હોવાથી મધ્યમવર્ગીય પરિવારોએ ખપ પૂરતી ખરીદી કરી હતી. જો કે, મોંઘવારીની અસર પતંગોની ખરીદી ઉપર પણ વર્તાઈ હતી.ગત વર્ષની તુલના કરતા આ વખતે લોકોમાં ખરીદીનો માહોલ ઓછો રહ્યો છે. જોકે મોડી સાંજથી ખરીદી માટે પતંગ રસિયાઓનો ઘસારો રહેતા વેપારીઓમાં આશાનું કિરણ દેખાયું હતું.
રાજકોટમાં ટન મોઢે ખવાશે જીંજરા, ચિકી અને ઊંધિયું
ઉતરાયણ પર્વેની ઉજવણીમાં સૌરાષ્ટ્રમાં પતંગની જેમ જ ઊંધિયું પણ આવશ્યક બની ગયું હોય તેમ શહેરમાં ઠેર-ઠેર ડેરી અને ફરસાણની દુકાનમાં ઊંધિયું વેચાણની આગોતરી તૈયારીઓ થઇ ચુકી છે અને મોટી દુકાનોની સાથે અનેક જગ્યાએ મંડપ ખોલીને પણ ઊંધિયું વેચાણ માટે તૈયારીઓ થઇ ગઈ છે. સાથે જ પરંપરાગત ખીચડાના વેચાણ માટે પણ શહેરમાં ઢગલા બંધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હોય આજે શહેરીજનો લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે. આ ઉપરાંત શહેરમાં ઉતરાયણે જીંજરા, ચીકી, શેરડી, બોર, ફુગ્ગાની પણ જબરી ડિમાન્ડ જોવા મળી હતી. સાથે જ દાનપુણ્યના તહેવાર ઉત્તરાયણમાં ઠેર ઠેર ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ દ્વારા દાન માટે મંડપ ઊભા કરવામાં આવ્યા છે.
આજે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ
છેલ્લા બે દિવસમાં પવનની ગતિ મંદ પડી છે ત્યારે આજે મકરસંક્રાંતિએ પતંગ રસિકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મતે આજે પવનની સરેરાશ ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિકલાક સુધીની રહેશે.વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજે દિવસભર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાથી પવન ફૂંકાશે. જેથી પૂરતા પ્રમાણમાં પવન ફૂંકાવાના કારણે પતંગ રશિયાઓને પતંગ ચગાવવાની મજા પડી જશે.