ફાયરીગમાં ઇજા પામેલા વૃદ્ધે તેમના કૌટુંબિક ભાઈ અને ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી, બે રાઉન્ડ ફાયરીગ થયાનું ખુલ્યું
હળવદના સાપકડા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચેની માથાકૂટ ઉગ્ર બનતા ફાયરીગ થયું હતું. આ બનાવમાં ફાયરીગમાં ઇજા પામેલા વૃદ્ધે તેમના કૌટુંબિક ભાઈ અને ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બે રાઉન્ડ ફાયરીગ થયાનું ખુલ્યું છે.
હળવદના સાપકડા ગામે થયેલા ફાયરીગમાં ઇજા પામેલા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા ઉ.વ.60એ તેમના કૌટુંબિક ભાઈ હરેશભાઇ દલુભાઈ ચાવડા અને બે ભત્રીજા ભાવેશભાઈ હરેશભાઇ ચાવડા અને પ્રકાશભાઈ હરેશભાઇ ચાવડા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજે ફરિયાદી જુના સાપકડા ગામે જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ દ્વારા બે રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભુભાઈને પેટ અને પગના ભાગે ઇજા થતાં તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરિયાદમાં આરોપીઓ પાસે એક નહિ પણ બે બંદૂક હતી.આથી આરોપી હરેશભાઇ બંદૂકમાંથી ભડાકો કરતા પ્રભુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી તેમજ આરોપી પ્રકાશભાઈએ હાથમાં પાઇપ લઈને ફરિયાદીને મારવા દોડ્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.