કાળમુખા ડમ્પરે બાળકનો ભોગ લીધો : રાજકોટમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા માસૂમનું મોત, પીએમ રૂમે પરિવારનું આક્રંદ
રાજકોટમાં ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે. બેફામ દોડતા ડમ્પરે બાળકનો ભોગ લીધો છે. શહેરમાં ડમ્પર કાળ બનીને ત્રાટકતા બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકો ઉમટ્યા હતા. આશાસ્પદ દીકરો કાળનો કોળિયો થાત પરિવારજનો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ બાળકને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટન મોરબી રોડ પર જકાતનાકા પાસે બની હતી જ્યાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બાઈકને ઠોકરે લેતા 8 વર્ષીય જગદીશ નામના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો લોકો રોષે ભરાયા હતા તેમજ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા પણ શહેરમાં અનેક આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે? તે જોવાનું રહ્યું.

લોકોએ ડ્રાઈવર પર રોષ ઠાલવ્યો
ડમ્પર ચાલકે બાઇકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થતાં બાળકના મૃતદેહને પીએમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળાં ઉમટ્યા હતા અને ડ્રાઈવર પર રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ડમ્પર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો હતો ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બેફામ ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે?
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ રાજકોટમાં હેલ્મેટ અંગે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ડમ્પરનો ત્રાસ પણ વધી રહ્યો છે. શહેરમાં ડમ્પર યમરાજ બનીને ફરી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા જ વિદ્યાર્થિનીને હડફેટે લેતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે આ બેફામ ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે તે જોવાનું રહ્યું!
